IND vs WI T20 World Cup 2026: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં અણનમ 97 રન ફટકારી ભારતને સેમિફાઇનલમાં પહોંચાડનાર સંજુ સેમસન અત્યારે ચોતરફથી પ્રશંસા મેળવી રહ્યો છે. મેચ બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે સંજુને ગળે લગાવીને તેનું અભિવાદન કર્યું હતું અને પ્રેસ કોન્ફરન્સમાં તેના વિશે મોટી વાત કરી હતી.
સંજુનું દર્દ ગંભીરે સમજ્યું
વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તે શ્રેણીમાં સંજુ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેના કારણે તેની ટીકા પણ થઈ રહી હતી. ગંભીરે આ મુશ્કેલ સમયને યાદ કરતા કહ્યું કે, "ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી તેના માટે ઘણી અઘરી રહી હતી. ક્યારેક ખેલાડીને આવા દબાણમાંથી બહાર કાઢવા માટે બ્રેક આપવો જરૂરી હોય છે. લોકો ભલે જૂના સ્કોર જુએ, પણ અમે હંમેશા જાણતા હતા કે તેનામાં કેટલી ક્ષમતા છે."
‘તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે’: ગંભીર
ગૌતમ ગંભીરે વધુમાં ઉમેર્યું કે, "સંજુ એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને અમે બધા જાણીએ છીએ કે તે કેટલો પ્રતિભાશાળી છે. બસ તેને માત્ર મેનેજમેન્ટના સમર્થન (Backing) ની જરૂર હતી. જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે પોતાની અસલી ક્ષમતા બતાવી છે. મને ખુશી છે કે તેણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી."
બેટિંગ ટેકનિકની પ્રશંસા
ગંભીર સંજુની બેટિંગ શૈલીથી પ્રભાવિત થયા હતા. તેમણે નોંધ્યું કે સંજુએ ક્યાંય પણ બિનજરૂરી આક્રમકતા બતાવ્યા વગર પ્રોપર ક્રિકેટિંગ શૉટ્સ રમીને ઇનિંગને આગળ વધારી હતી. ગંભીરે કહ્યું, "મેં તેને ક્યાંય બોલને જોરથી ફટકારવા માટે મથામણ કરતો જોયો નથી. તેણે જે રીતે ઇનિંગને પેસ કરી તે તેની પરિપક્વતા દર્શાવે છે."
સેમિફાઇનલ માટે આશાવાદ
ગૌતમ ગંભીરને આશા છે કે આ ઇનિંગ સંજુ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. હવે જ્યારે ભારત સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવાનું છે, ત્યારે ગંભીર માને છે કે સંજુનો આ ફોર્મમાં આવવો એ ભારતીય ટીમ માટે સૌથી મોટું જમા પાસું છે.
