IND vs WI 3rd T20: ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી T20 મેચમાં શાનદાર વાપસી કરતા વેસ્ટ ઈન્ડિઝને 14 રને હરાવી દીધું છે. આ વિજય સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 સિરીઝમાં 2-1 થી લીડ મેળવી લીધી છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યર ખુશ છે, પરંતુ તેમણે સાથે જ વેસ્ટ ઈન્ડિઝના ડરને સરેઆમ જાહેર પણ કર્યો છે.
ઈન્દોર સ્ટેડિયમમાં સ્કોર ચેઝ ન કરી શક્યું વિન્ડીઝ
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પૂરી 20 ઓવર રમ્યા બાદ સાત વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી હતી.
રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં વિન્ડીઝ ટીમે 250 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો, પરંતુ ઈન્દોરમાં ભારતીય બોલરોએ નાના મેદાન પર પણ વિન્ડીઝના તુફાની બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.
બોલરોના વખાણ, પણ વિન્ડીઝનો ડર સ્પષ્ટ દેખાયો
મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે બોલરોના ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેમની વાતોમાં વિન્ડીઝનો ડર પણ સાફ રીતે દેખાઈ રહ્યો હતો. મેચ બાદ અય્યરે કહ્યું, "આ શાનદાર મેચ હતી. કારણ કે, બોલરો આત્મવિશ્વાસથી ભરેલા હતા કે તેમની પાસે જે પ્લાન છે તેઓ તેને અમલમાં મૂકવા માંગતા હતા. વિચારમાં આ સ્પષ્ટતા સાફ દેખાઈ રહી હતી. તેઓ પોતાના પ્લાનને અમલમાં મૂકવા અંગે ખૂબ જ નિર્ણાયક હતા.
કેપ્ટન શ્રેયસ અય્યરે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે હું તેમને બોલ આપી રહ્યો હતો ત્યારે દરેક વ્યક્તિ પડકાર માટે તૈયાર હતો. તમે ટીમ પાસેથી આ જ ઈચ્છો છો. વેસ્ટ ઈન્ડિઝને તમે ક્યારેય હળવાશથી લઈ શકો નહીં. તેથી અમારે એ વાત સુનિશ્ચિત કરવાનીહતી કે અમે બેદરકાર ન બનીએ. બંને મેદાન હાઈસ્કોરિંગ હતા, પરંતુ જરૂરી હતું કે અમે અમારી પ્રક્રિયા પર ટકેલા રહીએ અને અમારું રૂટિન ફોલો કરીએ."
અભિષેક શર્મા અને પ્રિન્સ યાદવના જોરદાર વખાણ
કેપ્ટન અય્યરે ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના ભારે વખાણ કર્યા છે. અભિષેક શર્માએ આ મેચમાં તોફાની ઈનિંગ રમતા 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. અંતમાં પ્રિન્સ યાદવે પણ સારો હાથ અજમાવ્યો હતો અને 6 બોલમાં જરૂરી 13 રન બનાવ્યા હતા, જે જીતનું અંતર સાબિત થયા હતા.
બંનેના વખાણ કરતા અય્યરે કહ્યું, "અમારી શરૂઆત અસાધારણ હતી. અભિષેકે એ જ કર્યું જે તે પાવર પ્લેમાં કરે છે. તેમના પછી ઈશાન કિશને પણ સારી બેટિંગ કરી. પ્રિન્સે અંતમાં સારો કેમિયો રમ્યો. તે ખૂબ જ મહત્વપૂર્ણ રન હતા."
