IND vs SA 1st T20I: સંજુ સેમસને રચ્યો ઈતિહાસ, T-20 ઈન્ટરનેશનલમાં સતત 2 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

અગાઉ સંજુ સેમસને બાંગ્લાદેશ વિરુદ્ધની T-20 મેચમાં પણ 111 રન ફટકાર્યા હતા. આજની ઈનિંગ્સ સાથે સંજુ સેમસને પોતાની T-20 કરિયરમાં 7 હજાર રન પણ પૂરા કરી દીધા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 Nov 2024 10:19 PM (IST)Updated: Fri, 08 Nov 2024 10:19 PM (IST)
ind-vs-sa-1st-t20i-sanju-samson-becomes-first-indian-batsman-to-score-2-centuries-in-t-20i
HIGHLIGHTS
  • આજની મેચમાં સંજુ અને સૂર્યકુમાર વચ્ચે 66 રનની પાર્ટનરશિપ થઈ

IND vs SA 1st T20I: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T-20 મેચમાં શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેમાં સંજુએ પોતાની T-20 ઈન્ટરનેશનલ કરિયરની સતત બીજી સદી ફટાકારીને ઈતિહાસ રચી દીધો છે. અગાઉ સંજુ સેમસને બાંગ્લાદેશ વિરુદ્ધની T-20 મેચમાં પણ 111 રન ફટકાર્યા હતા. આજની ઈનિંગ્સ સાથે સંજુ સેમસને પોતાની T-20 કરિયરમાં 7 હજાર રન પણ પૂરા કરી દીધા છે.

આજની મેચમાં સંજુ સેમસને માત્ર 27 બૉલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે બાદ સાઉથ આફ્રિકાના બૉલરોએ નાંખેલા બૉલને મેદાનની ચોતરફ ફટકારીને પોતાની અડધી સદીને સદીમાં ફેરવી નાંખી હતી. આ દરમિયાન સંજુ સેમસને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 66 રનની પાર્ટનરશિપ પણ કરી હતી.

આ સાથે જ સંજુ સેમસન સતત બે T-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો પહેલો અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. સંજુ સેમસન પહેલા ફ્રાન્સનો ગુસ્તાવ મેકૈન, સાઉથ આફ્રિકાનો રિલે રોસૌવ અને ઈંગ્લેન્ડનો ફિલ સૉલ્ટ આ કમાલ કરી ચૂક્યા છે.

જો સંજુ સેમસનની કરિયરની વાત કરીએ તો, તેણે 2015માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં સંજુ સેમસને પોતાની કરિયરમાં 2 સદી ઉપરાંત 2 અડધી સદી ફટકારી છે. જ્યારે અત્યાર સુધીમાં સેમસન 4 વખત શૂન્ય પર આઉટ પણ થઈ ચૂક્યો છે.