India vs Pakistan Final Live Streaming, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે રોમાંચક ક્રિકેટ મુકાબલો રમાશે. આગામી 3 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ફાઈનલ મેચનો સમય, સ્થળ અને ટીવી તથા મોબાઈલ પર ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું... વાંચો અહેવાલમાં.
એશિયન ગેમ્સની ફાઈનલમાં પ્રથમ વખત ભારત-પાકિસ્તાન
એશિયન ગેમ્સ 2026 માં ક્રિકેટના ફાઈનલ મુકાબલામાં ભારતનો સામનો તેના સૌથી મોટા હરીફ પાકિસ્તાન સામે થશે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે બંને ટીમો ગોલ્ડ મેડલ મેળવવા માટે સામસામે ટકરાશે. આ ફાઈનલ મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાશે. વધુમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 3 ઓક્ટોબરે જ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે.
IND vs PAK Final: ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ નિશિન ખાતેના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક (Korogi Sports Park, Nisshin) ખાતે રમાશે.
IND vs PAK Final: મુકાબલો શરૂ થવાનો સમય
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે (10:00 AM IST) શરૂ થશે.
IND vs PAK Final: ફ્રી લાઈવ મેચ ક્યાં જોવી?
ટીવી પર પ્રસારણ (TV Broadcast): ભારતમાં એશિયન ગેમ્સની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર કરવામાં આવશે.
ઓનલાઈન સ્ટ્રીમિંગ (Live Streaming): ભારતમાં ફેન્સ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ (SonyLIV) એપ અને વેબસાઈટ પર ઓનલાઈન જોઈ શકશે.
IND vs PAK Final: બંને ટીમની સંપૂર્ણ Squads
ભારતીય ટીમ (Indian Cricket Team): શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, વિપ્રજ નિગમ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી.
પાકિસ્તાન ટીમ (Pakistan Cricket Team): સાહેબઝાદા ફરહાન (કેપ્ટન), અબ્દુલ સમદ (વાઇસ કેપ્ટન), અબરાર અહમદ, હૈદર અલી, સામ અય્યુબ, અહમદ દાનિયેલ, આકિફ જાવેદ, ઉસ્માન ખાન (વિકેટકીપર), અરાફાત મિન્હાસ, સલમાન મિર્ઝા, સાદ મસૂદ, સુફિયાન મોકિમ, હસન નવાઝ, અલી રઝા, માઝ સદાકત.
સેમિફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 124 રને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે 1 ઓક્ટોબર, ગુરુવારના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાને 124 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાન કિશને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા માત્ર 46 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 80 રનની તોફાની ઈનિંગ રમી હતી.
બીજી તરફ, 170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની ઈનિંગ્સ શરૂઆતમાં જ ખોરવાઈ ગઈ , જેમાં જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ અભિષેક શર્મા અને અક્ષર પટેલે પણ બે-બે વિકેટ ઝડપીને શ્રીલંકાની આખી ટીમને માત્ર 45 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.
બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન પ્રથમવાર ફાઇનલમાં
પાકિસ્તાને ગુરુવારે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વરસાદથી પ્રભાવિત આ મેચ 13-13 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 13 ઓવરમાં 111 રન બનાવ્યા, જેને પાકિસ્તાને 9 બોલ બાકી રહેતા જ ચેઝ કરી લીધા. પાકિસ્તાન પ્રથમ વખત એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યું છે.
