IND vs NZ: પ્લેયર ઓફ ધ મેચ સંજુ સેમસનની શાનદાર અર્ધસદી, કેપ્ટન શ્રેયસ અય્યરની જવાબદારીપૂર્વકની ઈનિંગ્સ અને અંતમાં નમન ધીરની વિસ્ફોટક ફટકાબાજીના દમ પર ભારતે પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી દીધું છે. કીવી ટીમે આપેલા 226 રનના વિશાળ લક્ષ્યાંકને ભારતીય ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ ભારતે 5 મેચોની T20 સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો આ સૌથી મોટો અને સફળ રન ચેઝ છે. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં 209 રન સફળતાપૂર્વક ચેઝ કર્યા હતા.
વિસ્ફોટક શરૂઆત: સેમસન અને અભિષેકની તોફાની ભાગીદારી
226 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ રોકેટ જેવી શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને માત્ર 36 બોલમાં 93 રનની આક્રમક ભાગીદારી નોંધાવી હતી.
અભિષેક શર્માએ માત્ર 12 બોલમાં 2 સિક્સર અને 2 ફોર સાથે 29 રન ફટકાર્યા હતા. બીજી તરફ, સંજુ સેમસને કીવી બોલરોની બરાબરની ધોલાઈ કરતા 33 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 67 રનની અદભુત ઈનિંગ્સ રમી હતી.
મિડલ ઓવર્સમાં ભારત મુશ્કેલીમાં મુકાયું
ઓપનરોની આક્રમક રમત બાદ અભિષેક શર્મા આઉટ થતા જ ભારતીય ઈનિંગ્સ લથડાઈ હતી. સેન્ટનર અને બ્રેસવેલની સ્પિન જોડી સામે ભારતે માત્ર 29 રનના ગાળામાં જ ઓપનરો સહિત 4 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. તિલક વર્મા (6) અને ઈશાન કિશન (1) સસ્તામાં આઉટ થઈ જતાં ભારત 122/4ના સ્કોર પર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.
અય્યર-અક્ષરની શાનદાર ઈનિંગ્સ અને નમન ધીરનો વિજયી છગ્ગો
સતત વિકેટો પડ્યા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ઈનિંગ્સને સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 24 બોલમાં 45 રન જોડ્યા હતા. અક્ષર પટેલ 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ શ્રેયસ અય્યરે નમન ધીર સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. અય્યર 28 બોલમાં 42 રનની કેપ્ટન ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. પરંતુ ક્રિઝ પર આવેલા નમન ધીરે મેચનો પાસો પલટી નાખ્યો. નમને માત્ર 15 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 42 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને તેણે ભારતને યાદગાર જીત અપાવી હતી.
ગ્લેન ફિલિપ્સની તોફાની ફિફ્ટી એળે ગઈ
આ પહેલા, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ફિન એલન (45 રન, 24 બોલ) અને ટિમ સાઈફર્ટ (24 રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી થઈ હતી. ડેરીલ મિચેલે પણ 19 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.
ન્યૂઝીલેન્ડ માટે ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા ગ્લેન ફિલિપ્સે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. તેણે માત્ર 27 બોલમાં અર્ધસદી પૂરી કરી અને બેવન જેકોબ્સ (16 બોલમાં 31 રન) સાથે ચોથી વિકેટ માટે 32 બોલમાં 73 રનની ઝડપી ભાગીદારી કરી. ફિલિપ્સે 40 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 82 રન બનાવ્યા હતા. ભારત તરફથી અરશદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
પરંતુ ફિલિપ્સની આ તોફાની ઈનિંગ્સ ભારતીય બેટ્સમેનોના ઐતિહાસિક રન ચેઝ સામે એળે ગઈ હતી.
