ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલાં ભારતીય ટીમમાં ફેરફાર: ફાસ્ટ બોલર આકિબ નબીને પ્રથમ ત્રણ મેચો માટે પણ મળ્યું સ્થાન

BCCI દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, જમણા હાથના ઝડપી બોલર આકિબ નબીને પ્રથમ ત્રણ મેચોમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે તે હવે સમગ્ર વન-ડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયા ઉપલબ્ધ રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 10:30 AM (IST)Updated: Sat, 31 Oct 2026 10:30 AM (IST)
ind-vs-nz-odi-series-bcci-includes-aqib-nabi-first-three-odis
આકિબ નબી ભારતીય ટીમ પસંદગી

India vs New Zealand ODI Series: ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વન-ડે (ODI) શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય સ્ક્વોડમાં મહત્વનો ફેરફાર કર્યો છે. પુરુષ પસંદગી સમિતિએ યુવા ઝડપી બોલર આકિબ નબીને પ્રથમ ત્રણ વન-ડે મેચો માટે પણ ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે અગાઉ તેને માત્ર શ્રેણીની ચોથી અને પાંચમી મેચ માટે જ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે શ્રેણીની શરૂઆતથી જ ભારતીય ટીમ સાથે જોડાશે.

આકિબ નબી સમગ્ર ODI શ્રેણીમાં રહેશે ભારતીય ટીમનો ભાગ

BCCI દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, જમણા હાથના ઝડપી બોલર આકિબ નબીને પ્રથમ ત્રણ મેચોમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે તે હવે સમગ્ર વન-ડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયા ઉપલબ્ધ રહેશે. જોકે, પસંદગી સમિતિ કે બોર્ડ દ્વારા અચાનક કરવામાં આવેલા આ ફેરફાર પાછળનું કોઈ ચોક્કસ તકનીકી કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

પ્રથમ ત્રણ વન-ડે મેચો માટે ભારતીય ટીમની કમાન શુભમન ગિલના હાથમાં

પ્રથમ ત્રણ વન-ડે મેચો માટે શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે શ્રેયસ અય્યર વાઇસ-કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે. આ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની સાથે યુવા પ્રતિભાઓને પણ સ્થાન મળ્યું છે.

પ્રથમ 3 ODI માટેની ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી (માત્ર પ્રથમ વન-ડે માટે) અને આકિબ નબી.

ચોથી અને પાંચમી વન-ડે માટે ટીમમાં કરાયા ફેરફારો

શ્રેણીની છેલ્લી બે મેચો માટે ટીમનું નેતૃત્વ બદલાશે, જેમાં શ્રેયસ અય્યર કેપ્ટનશિપ કરશે અને ઈશાન કિશન વાઈસ-કેપ્ટન બનશે. આ મેચો માટે તિલક વર્મા, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુરને સ્ક્વોડમાં ઉમેરવામાં આવ્યા છે.

4થી અને 5મી ODI માટેની ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.