Ayush Badoni Replaces Washington Sundar, IND vs NZ ODI Series 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચ પહેલા ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ દરમિયાન પ્રશંસકો માટે મોટા સમાચાર એ છે કે તેમની જગ્યાએ દિલ્હીના વિસ્ફોટક ખેલાડી આયુષ બદોનીને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સુંદરના સ્થાને ટીમમાં રમતો જોવા મળી શકે છે, જ્યારે બીજી તરફ ઈશાન કિશનને વનડે ટીમ માટે ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે.
વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે બહાર
વડોદરામાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને તેની ડાબી પાંસળીમાં જોરદાર દુખાવો અનુભવાયો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમે ઊંડી તપાસ બાદ તેને બાકીની બે મેચો માટે આરામ આપવાનો નિર્ણય લીધો છે. સુંદર ટૂંક સમયમાં નિષ્ણાતોની સલાહ લેશે, ત્યારબાદ તેની રિકવરી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો
કોણ છે આયુષ બદોની?
આયુષ બદોની સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી અને આઈપીએલ (IPL) માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમે છે. તેને 'મિસ્ટર 360' શૈલીમાં બેટિંગ કરવા માટે ઓળખવામાં આવે છે. વર્ષ 2022 ના આઈપીએલ મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને તેની બેઝ પ્રાઈસ (20 લાખ રૂપિયા) પર ખરીદ્યો હતો. તે સમયે લખનઉના મેન્ટર રહેલા ગૌતમ ગંભીરે તેની પ્રતિભાને ઓળખી હતી અને તેના પર દાવ ખેલ્યો હતો.
બદોનીનો શાનદાર ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ
બદોનીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ ઘણો પ્રભાવશાળી છે. તેણે 21 મેચોમાં 57 થી વધુની સરેરાશથી 1681 રન બનાવ્યા છે, જેમાં એક બેવડી સદી (205*) પણ સામેલ છે. ટી20 ફોર્મેટમાં પણ તેના નામે 1788 રન નોંધાયેલા છે. બદોની દબાણમાં મેચ ફિનિશ કરવાની અને મોટા શોર્ટ્સ રમવાની ક્ષમતા માટે જાણીતો છે. આઈપીએલ 2025 ના મેગા ઓક્શન પહેલા લખનઉએ તેને 4 કરોડ રૂપિયામાં રિટેન કરીને તેની મહત્વતા સાબિત કરી હતી.
રાજકોટ વનડે માટે ભારતીય ટીમની તૈયારી
ભારતીય ટીમ હાલમાં સિરીઝમાં 1-0 થી આગળ છે અને હવે બીજી વનડે રાજકોટમાં રમાશે. આયુષ બદોની સીધો રાજકોટ પહોંચીને ભારતીય ટીમ સાથે જોડાશે. સુંદરના બહાર થયા બાદ ભારત પાસે બદોની અને નીતીશ કુમાર રેડ્ડીના રૂપમાં બે યુવા ઓલરાઉન્ડર વિકલ્પો ઉપલબ્ધ છે.
ભારતની અપડેટેડ સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ અને આયુષ બદોની.
