IND vs NZ T20: ભારત સામે 225 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યા છતાં પરાજય મળ્યા બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે પોતાના બોલરોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. પોતાના બેટ્સમેનોના દેખાવની પ્રશંસા કરવા છતાં કીવી કેપ્ટને હારનો તમામ દોષ બોલરો પર મઢી દીધો હતો.
મિશેલ સેન્ટનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પાવરપ્લેમાં 80 રન બની શકે છે, પરંતુ 100 રન આપી દેવા તે અસ્વીકાર્ય છે. ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 225 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક મેળવી લીધો હતો, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ છે.
ભારત સામે 4 વિકેટથી મળેલી હાર બાદ યોજાયેલી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં મિશેલ સેન્ટનરે હારના કારણો અને રોષ ઠાલવતા કહ્યું કે, "અમારા ખેલાડીઓએ જે રીતે બેટિંગમાં શરૂઆત કરી તે ખૂબ સારી હતી. શરૂઆતમાં થોડી તકલીફ પડી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને ગ્લેન ફિલિપ્સે જે શાનદાર બેટિંગ કરી તે અદ્ભુત હતી. આ સિવાય બેવન જેકબ્સે પણ ક્લીન હિટિંગ કરી અને પ્રથમ ઈનિંગ્સના અંત સુધી અમે ખૂબ ખુશ હતા."
મિશેલ સેન્ટનરે વધુમાં ઉમેર્યું કે, ઈનિંગ્સ બ્રેક બાદ ભારતીય બેટ્સમેનોએ શરૂઆતથી જ કીવી બોલરો પર ભારે દબાણ બનાવીનેપાવરપ્લેમાં જ મોટો સ્કોર બનાવી લીધો હતો. કીવી બોલરો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યા નહોતા અને તેમણે ઘણા એક્સ્ટ્રા રન આપ્યા હતા.
મિશેલ સેન્ટનરે સ્વીકાર્યું કે, કેચ પકડવા સરળ ન હોવા છતાં તેમની ટીમે ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. પાવરપ્લે અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "પાવરપ્લે હંમેશા અમારા માટે એક મોટો પડકાર રહેશે અને અમારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ અન્ય રસ્તો શોધવો પડશે. કારણ કે, પાવરપ્લે 80 રનનો હોઈ શકે છે પણ 100 રનનો નહીં."
