IND vs NZ 1st T20 Preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે 22 ઓક્ટોબર, ગુરુવારથી શરૂ થઈ રહેલી 5 મેચની T20 સીરિઝ પહેલા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ટીમમાં પસંદગી અંગે બંને ટીમનાકેપ્ટનના જુદા જુદા મંતવ્યો સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે જણાવ્યું કે, જો વૈભવ સૂર્યવંશી પ્લેઈંગ-11 માં સ્થાન મેળવે છે તો તેને રોકવો મુશ્કેલ સાબિત થશે. જોકે, તેમની ટીમે આ આક્રમક યુવા બેટ્સમેન માટે ખાસ રણનીતિઓ તૈયાર કરી રાખી છે.
બીજી તરફ, ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યરે સ્પષ્ટતા કરી કે, પ્લેઇંગ 11 માં વૈભવ સૂર્યવંશીને અત્યારે સરળતાથી સ્થાન મળી શકે તેમ નથી. કારણ કે, ઓપનર બેટ્સમેન તરીકે અભિષેક શર્મા અને સંજુ સેમસન સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે કેપ્ટન અય્યરે ઉમેર્યું હતું કે, આ યુવા બેટ્સમેનને યોગ્ય સમયે પૂરતી તકો ચોક્કસ આપવામાં આવશે.
શ્રેયસ અય્યરના જણાવ્યા મુજબ, વિદેશી પરિસ્થિતિમાં રમવાનો અને પ્રવાસ કરવાનો અનુભવ વૈભવને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે વધુ સક્ષમ બનાવશે. વૈભવ સૂર્યવંશીને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. તે સમયથી ભારતે રમેલી કુલ 21 T20 આંતરરાષ્ટ્રીય મેચ પૈકી વૈભવ સૂર્યવંશીએ માત્ર 8 મેચમાં જ ભાગ લીધો છે. કારણ કે, નિયમિત ઓપનરો સતત ટીમ માટે રન બનાવી રહ્યા છે.
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં વાપસી થઈ છે. 36 વર્ષીય ભુવનેશ્વર કુમારના સમાવેશ અંગે કેપ્ટન અય્યરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, હાલના સમયમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં અનુભવની જે કમી જોવા મળતી હતી, તે ભુવનેશ્વરની વાપસીથી દૂર થશે. પાછલા 2 વર્ષમાં IPL માં ભુવનેશ્વરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે આ ફોર્મેટમાં પ્રભુત્વ મેળવવાની કળાથી સારી રીતે પરિચિત છે.
IND vs NZ T20: બંને ટીમોની સ્કવોર્ડ
ભારતની ટીમ (India Squad): શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand Squad): મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોલ્કેસ, મેટ હેનરી, બેનોઈટ જેકબ્સ, કાયલ જેમીસન, એડમ મિલને, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ, નાથન સ્મિથ.
