Akash Deep, IND vs ENG 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને આ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેને પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. ત્યારે બીજી ટેસ્ટમાં વિજયી પ્રદર્શન બાદ આકાશ દીપ ભાવુક થઈ ગયો હતો અને તેને એક ચોંકાવનારો ખુલાસો કર્યો.
'મારી બહેન કેન્સરથી પીડાઈ રહી છે'
મેચ બાદ આકાશ દીપે ભાવુક થઈને કહ્યું કે, 'મારી બહેન કેન્સરથી પીડાઈ રહી છે. જ્યારે પણ હું બોલ હાથમાં લેતો ત્યારે તેના વિચારો મારા મનમાં આવતા. મેં આ વિશે કોઈ સાથે વાત કરી નથી, પરંતુ બે મહિના પહેલા મારી બહેનને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે મારા પ્રદર્શનથી ખૂબ ખુશ થઈ હશે અને તેના ચહેરા પર સ્મિત આવશે.'
Family is everything!
— Sony Sports Network (@SonySportsNetwk) July 6, 2025
Akash Deep dedicates this win to his sister battling cancer. ?#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/teMNeuYLMP
લોર્ડ્સ ટેસ્ટને લઈને આકાશ દીપે શું કહ્યું?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ લંડનના લોર્ડ્સ મેદાનમાં 10થી 14 જુલાઈએ રમાવાની છે. આકાશ દીપે લોર્ડ્સ ટેસ્ટને લઈને કહ્યું કે, હાલ તે એજબેસ્ટનમાં મળેલી જીત અને પોતાના મેચવિનિંગ પ્રદર્શનનો આનંદ માણવા માંગે છે.
આગામી લોર્ડ્સ ટેસ્ટ અંગે વાત કરતાં તેણે જણાવ્યું, 'મેં હજી સુધી લોર્ડ્સ માટે ખાસ કોઈ વ્યૂહરચના બનાવી નથી. જો કે, તે એજબેસ્ટનમાં અપનાવેલી રણનીતિથી વધુ અલગ નહિ હોય. કેટલાક દિવસો આ રણનીતિ કામ કરશે, તો કેટલાક દિવસો નહીં કરે. અમારું કામ તેને વળગી રહેવાનું અને અમારી પ્રક્રિયા પર વિશ્વાસ કરવાનું છે.'
જણાવી દઈએ કે ભારતે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 336 રનથી જીતી હતી. આ સાથે, સિરીઝ હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે.
