IND vs ENG 1st Test: લીડ્સમાં 5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા પહેલી ટેસ્ટ 5 વિકેટે હાર્યું, ઇંગ્લેન્ડે જીત સાથે શ્રેણીની શરૂઆત કરી

ઇંગ્લેન્ડે બીજા દાવમાં 371 રનના લક્ષ્યાંકનો પીછો કરીને માત્ર 5 વિકેટ ગુમાવીને પ્રથમ ટેસ્ટ 5 વિકેટથી જીતી લીધી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 24 Jun 2025 11:38 PM (IST)Updated: Tue, 24 Jun 2025 11:38 PM (IST)
ind-vs-eng-1st-test-despite-5-centuries-in-leeds-team-india-lost-the-first-test-by-5-wickets-england-started-the-series-with-a-win
HIGHLIGHTS
  • ઇંગ્લેન્ડે 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી.
  • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 2 જુલાઈથી રમાશે.

IND vs ENG 1st Test: બેન ડકેટ (149)ની સદી અને જો રૂટ (53)ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ એચિવ કરી લીધો છે. પ્રથમ ટેસ્ટ 5 વિકેટથી જીતી લીધાની સાથે જ ઇંગ્લેન્ડે 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમે ટોસ ગુમાવ્યો
મેચની વાત કરીએ તો, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ગિલ અને કંપનીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. યુવા ભારતીય ટીમે અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું અને પ્રથમ ઇનિંગમાં 471 રન બનાવ્યા. આ દરમિયાન 3 બેટ્સમેનોએ સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 101, શુભમન ગિલે 147 અને ઋષભ પંતે 134 રન બનાવ્યા. કેએલ રાહુલે 42 રનની ઇનિંગ રમી.

રાહુલ અને યશસ્વીએ પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી. ભારતે 430 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આખી ટીમ 41 રનમાં જ પડી ગઈ. પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા સાઈ સુદર્શન પણ પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલી શક્યો નહીં. કરુણ નાયર પણ શૂન્ય રને આઉટ થયો. રવિન્દ્ર જાડેજાએ 11, મોહમ્મદ સિરાજે 3 અને શાર્દુલ-પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 રન બનાવ્યા. જોશ ટંગ અને કેપ્ટન બેન સ્ટોક્સે 4-4 વિકેટ લીધી.

બુમરાહે 5 વિકેટ લીધી
ઓલી પોપની સદી (106) અને હેરી બ્રુકના 99 રનની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 465 રન બનાવ્યા. આ દરમિયાન ભારત તરફથી ખરાબ ફિલ્ડિંગ પણ જોવા મળી. યશસ્વી જયસ્વાલે 3 કેચ છોડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 1 કેચ છોડ્યો. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમ તરફથી નીચલા ક્રમમાં પણ મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી.

જેમી સ્મિથે 40, ક્રિસ બોક્સે 38 અને બ્રાયડન કાર્સે 22 રનનું યોગદાન આપ્યું. ઓપનર બેન ડકેટ (62) એ અડધી સદી ફટકારી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી. કૃષ્ણાએ 3 અને સિરાજે 2 વિકેટ લીધી. જોકે, કૃષ્ણા ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 6.40ની ઇકોનોમીથી રન આપ્યા.

ભારતને 6 રનની લીડ મળી
ભારતને પહેલી ઇનિંગના આધારે 6 રનની લીડ મળી. બીજી ઇનિંગમાં, ટીમ ઇન્ડિયાએ પંત (118) અને કેએલ રાહુલ (137)ની સદીની મદદથી 364 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતના નીચલા ક્રમે બીજા ઇનિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું ન હતું. કરુણ નાયરે 20, શાર્દુલે 4 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા 25 રન બનાવીને અણનમ રહ્યો. ચોથા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં, ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા.

છેલ્લા દિવસે 350 રન બનાવવાના હતા
છેલ્લા દિવસે જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 350 રન બનાવવાના હતા, ત્યારે ગિલ બ્રિગેડની નજર 10 વિકેટ પર હતી. ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડી જેક ક્રોલી અને બેન ડકેટે શાનદાર શરૂઆત કરી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 188 રનની ભાગીદારી થઈ. કૃષ્ણાએ આ ભાગીદારી તોડી. 43મી ઓવરમાં, તેણે ક્રોલી (65)ને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. 45મી ઓવરમાં કૃષ્ણાએ ઓલી પોપ (8)ને બોલ્ડ કર્યો. 2 વિકેટ ગુમાવ્યા બાદ, ભારતે રાહતનો શ્વાસ લીધો. પછી લોર્ડ શાર્દુલની જાદુઈ ઓવર આવી.

શાર્દુલની સતત બે વિકેટો
55મી ઓવરમાં શાર્દુલે સતત બે વિકેટો લઈને ભારતને મેચમાં જીવંત બનાવ્યું. સદી ફટકાર્યા પછી ખતરનાક બની ગયેલા બેન ડકેટને ઓવરના ત્રીજા બોલ પર ઠાકુરે પેવેલિયન મોકલી દીધો. ડકેટે 170 બોલમાં 149 રન બનાવ્યા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે બાઉન્ડ્રી પર તેનો કેચ છોડી દીધો ત્યારે તેને પણ જીવનદાન મળ્યું. ઓવરના બીજા જ બોલ પર લોર્ડે હેરી બ્રુકને પોતાની જાળમાં ફસાવી દીધો. બ્રુક ગોલ્ડન ડક પર આઉટ થયો.

ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાને 269 રન હતો. જો રૂટ અને બેન સ્ટોક્સ ક્રીઝ પર હતા. પાંચમા દિવસના છેલ્લા સત્રમાં, ઇંગ્લેન્ડને જીતવા માટે 102 રનની જરૂર હતી, જ્યારે ભારતને 6 વિકેટ લેવાની હતી.ટી બ્રેક પછી રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બેન સ્ટોક્સનો શિકાર કર્યો. ઇંગ્લેન્ડના કેપ્ટને 51 બોલમાં 33 રન બનાવ્યા. આ પછી ટીમની કોઈ વિકેટ પડી નહીં.