IND vs AUS: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતના નો હેન્ડશેક વલણની મજાક ઉડાવી, વિડિયો બાદ વિવાદ

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન હાથ ન મિલાવવાની ઘટનાના સંદર્ભમાં બનાવેલા આ વિડિયોની સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ તરીકે ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ તેને દૂર કરવામાં આવ્યો હતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 15 Oct 2025 05:02 PM (IST)Updated: Wed, 15 Oct 2025 05:02 PM (IST)
ind-vs-aus-australian-players-mock-indias-no-handshake-stance-controversy-after-video

IND vs AUS: ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કાયો સ્પોર્ટ્સનો એક પ્રોમો વિડિયો હાલમાં ચર્ચામાં છે. આ વિડિયો હવે ડિલીટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેનાથી સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો છે. તેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે ભારતની 'નો હેન્ડશેક' નીતિની મજાક ઉડાવી હતી.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પ્રમોશનલ હેતુઓ માટે બનાવવામાં આવેલ આ વિડિયોમાં જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, જેક ફ્રેઝર-મેકગર્ક અને મહિલા ટીમની ખેલાડી ગ્રેસ હેરિસનો સમાવેશ થાય છે. વિડિયો એન્કર ઇયાન હિગિન્સ દ્વારા કહેવામાં આવે છે કે- અમે જાણીએ છીએ કે ભારત અમારા દેશમાં આવી રહ્યું છે, પરંતુ અમે એક મોટી નબળાઈ શોધી કાઢી છે.

જે બાદ કો-હોસ્ટ સેમ પેરી પછી હાથ મિલાવવા માટે ઈશારો કરે છે અને કહે છે- તેને પરંપરાગત ગ્રીટિંગનો (હેન્ડશેક) ખાસ શોખ નથી. તો શા માટે આપણે બોલ ફેંકતા પહેલા જ તેને અસહજ કરી દઈએ?

ત્યારબાદ ખેલાડીઓએ પોત-પોતાના અંદાજમાં વૈકલ્પિક શુભેચ્છાઓ દર્શાવી - ગ્લેન મેક્સવેલ અને ફ્રેઝર-મેકગર્કે મુઠ્ઠી મારવાનો પ્રયાસ કર્યો જે ખૂબ જ રમુજી રીતે ખોટો સાબિત થયો. જ્યારે મહિલા ખેલાડીઓ ગ્રેસ હેરિસ અને સોફી મોલિનેક્સે કેટલાક હાસ્યાસ્પદ પરંતુ સર્જનાત્મક ગ્રીટિંગ્સની નકલ કરી.

કેપ્ટન મિશેલ માર્શે ફિંગર ઈન ધ આઈસ કપના હાવભાવ સૂચવ્યા - જે વર્લ્ડ કપ વિજેતા બેટ્સમેન ટ્રેવિસ હેડ દ્વારા એક પ્રખ્યાત ઉજવણી હતી. મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ તેના પ્રખ્યાત "હીલી હેન્ડ્સ" જેસ્ચરનો ઉલ્લેખ કર્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

જોકે આ વિડિયો હળવા મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ તેને અસંવેદનશીલ ગણાવીને ટીકા કરી હતી. વધતા વિરોધ વચ્ચે, કાયો સ્પોર્ટ્સે વિડિયો હટાવી દીધો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે, 3 ટી-20
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી વ્હાઇટ-બોલ શ્રેણીને લઈને ઉત્સાહ હવે વધી ગયો છે. શુભમન ગિલ આ ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 શ્રેણીમાં ODI ટીમનું નેતૃત્વ કરશે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વાપસી કરશે. સૂર્યકુમાર યાદવ 29 ઓક્ટોબરથી કેનબેરામાં શરૂ થતી T20I શ્રેણીનું નેતૃત્વ કરશે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે નો હેન્ડશેકની નીતિ અપનાવી હતી
સૂર્યકુમાર યાદવે એશિયા કપમાં પાકિસ્તાન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે બાદમાં જણાવ્યું કે આ પગલું પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હતું. ભારતે તે જીત ભારતીય સેનાને સમર્પિત કરી હતી.

જોકે, પાકિસ્તાને આ વલણને "રાજકીય" ગણાવીને ICC સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. જવાબમાં, ભારતે પાકિસ્તાની ખેલાડીઓ હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન દ્વારા ઉશ્કેરણીજનક ક્રિયાઓ (જેટ ક્રેશિંગ અને રાઇફલ મિમિક્રી) સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ટ્રોફી સેરેમનીમાં ભારતીય ખેલાડીઓએ ACC ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, કોઈપણ ઔપચારિક સમારંભ વિના ટ્રોફીને સ્ટેજ પરથી દૂર કરવામાં આવી હતી.