IND U19 vs USA U19: ICC અંડર-19 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટની પ્રતમ મેચમાં ભારતીય ટીમે ધારદાર બૉલિંગ આક્રમણથી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, ટીમ ખિતાબ માટે પ્રબળ દાવેદાર છે.
આ મેચમાં ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર હેનિલ પટેલે ઘાતક બોલિંગ કરતાં USA અંડર-19ની અડધી ટીમને એટલે કે 5 વિકેટ ઝડપીને મેચને ભારતના એકતરફી વિજયમાં ફેરવી નાંખી હતી. તો ચાલો જાણીએ કોણ છે આ હેનિલ પટેલ..
ગુજરાતના વલસાડનો ઑલરાઉન્ડર હેનિલ પટેલ
હેનિલ પટેલ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી આવતો 18 વર્ષીય ઑલરાઉન્ડર છે. તે રાઈટ હેન્ડ બેટ્સમેન હોવાની સાથે-સાથે જમણેરી મીડિયમ પેસ બૉલર પણ છે. 29 જાન્યુઆરી, 2007ના રોજ જન્મેલ હેનિલએ ખૂબ નાની વયે ડોમેસ્ટિક ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરી છે. લોકલ ટૂર્નામેન્ટમાં ઉમદા પ્રદર્શન કરીને હેનિલ પટેલે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.
હેનિલ પટેલ અંડર-19 અને ઈન્ડિયા-એ-અંડર 19ની ટીમ વતી રમી ચૂક્યો છે. વર્લ્ડકપ અગાઉ હેનિલ પટેલ અંડર-19 એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો હતો. ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનના પગલે હેનિલ પટેલે અંડર-19 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું છે.
હેનિક પટેલના ઘાતક સ્પેલથી USAની અડધી ટીમ પેવેલિયન પહોંચી
જો આજની મેચની વાત કરીએ તો, ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાએ બોલિંગ પસંદ કરી હતી. જેમાં હેનિલ પટેલે નવા બૉલથી સટીલ લાઈન લેન્થ જાળવી રાખી. હેનિલના બોલિંગ આક્રમણ સામે USAની ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી.
હેનિલ પટેલે કુલ 7 ઑવર બૉલિંગ કરી હતી, જેમાં માત્ર 16 રન આપીને 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. હેનિલની ઘાતક બોલિંગના પરિણામે USAની ટીમ માત્ર 107 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
ગુજરાતી મૂળના આ બૉલરે સૌથી પહેલા અમરિન્દર ગિલને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ હેનિલે USAના કેપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવ, અર્જુન મહેશને આઉટ કરીને વિરોધી ટીમના મીડલ ઑર્ડરની કમર તોડી નાંખી હતી. જે બાદના સ્પેલમાં હેનિલ પટેલે સબ્રિશ પ્રસાદ અને ઋષભ શિમ્પીને આઉટ કરીને પોતાની 5 વિકેટનો ફાઈફર પૂરો કર્યો હતો.
