Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના ચકેરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે રિસામણે બેઠેલી પત્નીને મનાવવાના પ્રયાસમાં પોતાની સાસરીમાં જઈને ઝેરી દવા ગટગટાવી મોતની સોડ તાણી લીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિક્રમ કેવટ (25) નામના યુવકની રિયા નામની યુવતી સાથે આંખો મળી ગઈ હતી. બન્ને વચ્ચે 8 વર્ષથી પ્રેમ સબંધ હતા. આજથી અઢી વર્ષ અગાઉ વિક્રમ અને રિયાએ પરિવારજનોની જાણ બહાર મંદિરમાં જઈને પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદ વિક્રમ અને રિયા બન્ને દામોદરનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જ્યાં વિક્રમ રિક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો.
વિક્રમના પિતા જયકુમારના જણાવ્યા પ્રમાણે, પ્રેમલગ્નના થોડા સમય બાદ વિક્રમ અને રિયા વચ્ચે નાની-નાની બાબતોમાં માથાકૂટ થવા લાગી હતી. બન્ને વચ્ચે મતભેદ વધતાં ચાર મહિના પહેલા જ રિયા રિસાઈને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.
વિક્રમે પત્નીને મનાવવાના ભરપુર પ્રયાસ કર્યાં હતા. જો કે રિયાએ વિક્રમ ઉપરાંત સાસરીમાં સૌ કોઈના નંબરને બ્લોક કરી દીધા હતા. આજથી 15 દિવસ પહેલા રિયા ઘરે આવી હતી, પરંતુ દાગીના અને એક લાખ રૂપિયા રોકડા લઈને ફરીથી પિયર જતી રહી હતી. આ સમયે વિક્રમે પત્ની રિયાને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે માની જ નહતી.
પત્નીને મનાવવા સાસરીમાં પહોંચેલા વિક્રમ માટે ઘરનો દરવાજો પણ ના ખોલ્યો
ગઈકાલે પર વિક્રમ પોતાની રિક્ષા લઈને પત્નીને મનાવવા માટે સાસરીમાં પહોંચ્યો હતો. જો કે રિયાએ દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. ઘણીવાર સુધી વિક્રમે દરવાજો ખખડાવી જોયો, પરંતુ પત્ની રિયા તરફથી કોઈ જવાબ ના મળ્યો. આખરે વિક્રમે ફોન પણ કરી જોયો, પરંતુ તેનો કોઈ ઉત્તર ના મળ્યો. આથી હતાશ વિક્રમ પોતાની રિક્ષામાં બેઠો અને ઝેરી દવા ગટગટાવી ગયો. જે બાદ ઘરે પહોંચેલા વિક્રમને ઝેરની અસર થતાં પરિવારના સભ્યો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.
વિક્રમના અંતિમ પગલા પછી તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં પત્ની રિયા તરફથી પતિને એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, તારા જેવો નામર્દ અને દગાબાજ નથી જોઈતો. મને તારા નામથી જ નફરત થઈ ગઈ છે. રિયાએ વિક્રમ પર વિશ્વાસઘાતનો અને નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ વિક્રમે જવાબમાં લખ્યું હતું કે, હવે તે કશું જ નહીં કહે અને હેરાન પણ નહીં કરે. આમ છતાં રિયા માનવા તૈયાર ના થઈ અને પતિને ગમે તેમ સંભળાવી દીધુ હતુ.
આ મામલે ચકેરી પોલીસ સ્ટેશના અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી પરિવાર તરફથી કોઈ લેખિત ફરિયાદ નથી મળી. જો કે આ ઘટનાથી વિક્રમ કેવટનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે, કારણ કે તેમણે પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે.
