કશું ન ખબર હોય તો ચુપ રહો... અશીથા સાથેના ઝઘડા બાદ યશસ્વીએ સીધા હર્ષા ભોગલે પર ઉતાર્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર ખળભળાટ!

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકન બોલર અશીથા ફર્નાન્ડો સાથે થયેલી તકરાર બાદ યશસ્વી જયસ્વાલે હર્ષા ભોગલેની પોસ્ટ પર કમેન્ટ કરી આકરી પ્રતિક્રિયા આપી છે. હર્ષા ભોગલેને સલાહ આપતા યશસ્વીની આ કમેન્ટ બાદ વિવાદ ઘેરો બન્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 24 Aug 2026 05:48 PM (IST)Updated: Mon, 24 Aug 2026 05:48 PM (IST)
if-you-dont-know-anything-stay-quiet-after-the-spat-with-ashitha-yashasvi-vented-his-anger-directly-at-harsha-bhogle-a-stir-on-social-media

Yashasvi Jaiswal Instagram Comment: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક અણધાર્યો ક્રિકેટ વિવાદ સામે આવ્યો છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચે થતી બોલાચાલી બાદ સામાન્ય રીતે મામલો ત્યાં જ શાંત થઈ જતો હોય છે, પરંતુ આ વખતે આ ગરમાવો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો છે. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અશીથા ફર્નાન્ડો વચ્ચેની તકરાર બાદ જાણીતા ક્રિકેટ વિશ્લેષક હર્ષા ભોગલેના મંતવ્ય પર યશસ્વીએ સીધો વાંધો ઉઠાવ્યો છે.

મેદાન પર શું ઘટી ઘટના?

પ્રથમ ઇનિંગ દરમિયાન 45 રને બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલને અશીથા ફર્નાન્ડોએ ક્લીન બોલ્ડ કર્યો હતો. વિકેટ લીધા બાદ અશીથાએ આક્રમક અંદાજમાં 'સેન્ડ-ઓફ' આપતાં જયસ્વાલ તરફ જોઈને કંઈક ટિપ્પણી કરી હતી. પેવેલિયન તરફ પરત ફરી રહેલો જયસ્વાલ આ ટિપ્પણી સાંભળી આપા ખોઈ બેઠો હતો અને પાછો વળીને બોલર તરફ ધસી ગયો હતો.

બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન જયસ્વાલનો હેલમેટ ફર્નાન્ડો સાથે અથડાયો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ અમ્પાયરો અને શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ વચ્ચે પડીને બંને ખેલાડીઓને શાંત પાડ્યા હતા.

હર્ષા ભોગલેનો વિડિયો અને વિવાદ

આ ઘટના બાદ ખ્યાતનામ કમેન્ટેટર હર્ષા ભોગલેએ એક વિડિયો પ્લેટફોર્મ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે મેદાન પર ગમે તેટલી ઉશ્કેરણી થાય તો પણ ખેલાડીએ પોતાની મર્યાદા (Line) ઓળંગવી જોઈએ નહીં. તેમણે પ્રથમ ટેસ્ટનો સંદર્ભ આપતા કહ્યું હતું કે સ્લેજિંગ રમતનો ભાગ હોઈ શકે, પરંતુ શારીરિક સંપર્ક સુધી પહોંચવું યોગ્ય નથી.

હર્ષા ભોગલેની આ વિશ્લેષણાત્મક પોસ્ટ પર ખુદ યશસ્વી જયસ્વાલે કૉમેન્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. યશસ્વીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું- સામે વાળા ખેલાડીએ શું કહ્યું તેની પૂરતી માહિતી વગર નિર્ણય આપવો યોગ્ય નથી. જો કોઈ પોતાની મર્યાદા પાર કરશે, તો તેનો સામનો કરીને જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે.

ICCએ આપી સજા

આ ઘટના પર પૂર્વ ક્રિકેટરોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે રમતમાં આક્રમકતા સ્વાભાવિક છે પરંતુ પાછા ફરીને સામે ચાલીને ભિડાઈ જવું ખેલદિલી વિરુદ્ધ છે.

દરમિયાન, મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ખેલાડીઓ માટેની આચારસંહિતાના કલમ 2.12 (અયોગ્ય શારીરિક સંપર્ક) ના ઉલ્લંઘન બદલ ICC એ યશસ્વી જયસ્વાલ અને અશીથા ફર્નાન્ડો બંનેને દોષી ઠેરવ્યા છે અને બંનેના ખાતામાં 1-1 ડિમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે.