ICC Women's T20 WC 2026, IND vs PAK: ICC મહિલા T20 વર્લ્ડ કપનો (ICC Women's T20 WC 2026) મંચ તૈયાર છે, જ્યાં ભારતીય ટીમ રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બન્ને દેશો વચ્ચેનો મુકાબલો કોઈ પણ ફોર્મેટમાં હોય, તેનો રોમાંચ ચરમસીમા પર હોય છે. આ મેચ સાંજે 7 વાગ્યે એજબસ્ટન સ્ટેડિયમમાં શરૂ થશે.
IND vs PAK: શું કહે છે આંકડા? (Head-to-Head Stats)
આંકડાઓ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનું પલડું ઘણું ભારે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 13 મેચમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને માત્ર 3 મેચ જીતી છે.
જો ફક્ત T20 વર્લ્ડ કપની વાત કરીએ, તો બંને ટીમો 8 વખત આમને-સામને આવી છે. જેમાં ભારતે 6 વખત પાકિસ્તાનને હરાવ્યું છે, અને પાકિસ્તાનને માત્ર 2 જ જીત નસીબ થઈ છે. ગત T20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું.
IND vs PAK: ભારતીય ટીમની તાકાત
કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય ટીમ વનડે વિજેતા તરીકે આ ટુર્નામેન્ટમાં પ્રવેશી છે, અને હવે T20 ટાઇટલ પર તેમની નજર છે.
બેટિંગ (India's Batting Strength)
ભારતની સૌથી મોટી તાકાત તેનો ટોપ ઓર્ડર છે. 1 જાન્યુઆરી 2025થી શેફાલી વર્મા ખૂબ જ શાનદાર ફોર્મમાં છે, જેણે 21 મેચોમાં 159.29 ના સ્ટ્રાઇક રેટથી 677 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ 18 મેચોમાં 1 સદી અને 3 અડધી સદી સાથે 572 રન બનાવ્યા છે. કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ (465 રન), રિચા ઘોષ (268 રન) અને દીપ્તિ શર્મા મિડલ ઓર્ડરને મજબૂત બનાવે છે.
બોલિંગ (India's Bowling Strength)
વર્ષ 2025 થી બોલિંગમાં શ્રી ચરણીએ 20 મેચમાં 28 વિકેટ ઝડપી છે, જ્યારે દીપ્તિ શર્માએ 23 અને અરુંધતી રેડ્ડીએ 20 વિકેટ લઈને શાનદાર સાથ આપ્યો છે.
IND vs PAK: પાકિસ્તાનનો પડકાર અને તાકાત
પાકિસ્તાનની ટીમ હાલમાં જ બાંગ્લાદેશ સામે 3-0 થી સિરીઝ જીતીને આવી છે. જોકે, પાકિસ્તાનની સૌથી મોટી આશા કેપ્ટન ફાતિમા સના છે. ફાતિમાએ 2025થી 12 મેચમાં 335 રન બનાવ્યા છે, અને 13 વિકેટ પણ ઝડપી છે. જોકે, શનિવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાથી ફાતિમાની ફિટનેસ પર સસ્પેન્સ છે.
આ પણ વાંચો: T20 World Cup 2026: આજે ભારત-પાક.નો મહામુકાબલો, પિચ રિપોર્ટથી લઈને લાઈવ સ્ટ્રીમિંગની માહિતી
પાકિસ્તાનની બેટિંગમાં મુનીબા અલી અને આયેશા ઝફર પણ અગત્યનો ભાગ ભજવશે. બોલિંગમાં તેમની તાકાત સ્પિન ત્રિપુટી છે, જેમાં સાદીયા ઈકબાલ (14 વિકેટ), ફાતિમા સના (13 વિકેટ) અને નશરા સંધુ (9 વિકેટ) મુખ્ય છે.
ક્રિકેટ માત્ર આંકડાઓની રમત નથી, ખાસ કરીને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ હોય ત્યારે બન્ને ટીમો પર દબાણ ઘણું હોય છે. રવિવારનો આ મુકાબલો અત્યંત રોમાંચક બની રહેશે. 2023 અંડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર 21 વર્ષીય ઇમાન ફાતિમા પર પણ સૌની નજર રહેશે.
