ICC 2027 વનડે વર્લ્ડકપના નવા ફોર્મેટ પર વિવાદ, ખેલાડીઓ અને એસોસિયેટ દેશો થયા નારાજ

આગામી મેન્સ વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં ICC દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે, જેને લઈને WCA અને એસોસિયેટ દેશોએ વાંધો ઉઠાવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 19 Jul 2026 09:44 AM (IST)Updated: Sun, 19 Jul 2026 09:44 AM (IST)
icc-odi-world-cup-2027-new-format-controversy-wca-associate-nations-upset
ICC ODI World Cup 2027

ICC ODI World Cup 2027 New Format: આગામી ICC મેન્સ વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવામાં આવેલા ફેરફારોને લઈને એસોસિયેટ દેશો અને વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશન (WCA) દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેઓનું માનવું છે કે આ નિર્ણય અગાઉ ખેલાડીઓને મળતી તકોના મૂળ સ્વરૂપને જ બદલી નાખે છે.

વર્લ્ડ કપ ફોર્મેટમાં શું ફેરફાર થયો? 

ICC દ્વારા 2027 વનડે વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોની સંખ્યા 14 જાળવી રાખી છે, જે નિર્ણય 2021 માં લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2019 અને વર્ષ 2023 ના વર્લ્ડ કપમાં માત્ર 10-10 ટીમો જ સામેલ થઈ હતી.

નવા ફોર્મેટ મુજબ, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા 2027 વન-ડે વર્લ્ડ કપમાં 12મી, 13મી અને 14મી રેન્કિંગવાળી ટીમો વચ્ચે એક 'સુપર સિરીઝ' રમાશે. આ સિરીઝમાં જે ટીમ ટોપ પર રહેશે તે જ માત્ર બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે. બીજા રાઉન્ડમાં કુલ 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને આ તબક્કામાં કુલ 30 મેચો રમાશે.

નવો 'સુપર-7' તબક્કો દાખલ કરાયો

આ વખતે ટૂર્નામેન્ટમાં 'સુપર-7' નામનો નવો તબક્કો જોવા મળશે. બંને ગ્રુપમાંથી ટોચની 3-3 ટીમો અને બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી કોઈ એક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ (કુલ 7 ટીમો) સુપર-7 માં પહોંચશે. સુપર-7 રાઉન્ડમાં કુલ 21 મેચો રમાશે. આ પછી ટોચની ચાર ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે, જ્યાં પ્રથમ ક્રમાંકની ટીમ ચોથા ક્રમાંકની ટીમ સાથે અને બીજા ક્રમાંકની ટીમ ત્રીજા ક્રમાંકની ટીમ સાથે ટકરાશે.

પારદર્શિતા પર ઉઠ્યા મોટા સવાલ 

700 થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા WCA એ પોતાની વેબસાઈટ પર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ICC દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તેમની પારદર્શિતા, પરામર્શ પ્રક્રિયા અને ક્રિકેટના વૈશ્વિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ગંભીર સવાલો ઊભા થાય છે.

WCA નું કહેવું છે કે ટૂર્નામેન્ટના માળખામાં આટલા મોટા ફેરફારો કરતા પહેલા ખેલાડીઓ અને અન્ય સંબંધિત પક્ષો સાથે પૂરતી ચર્ચા કરવામાં આવી ન હતી. આ નિર્ણય પર એસોસિયેટ દેશોના કપ્તાનોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને નામિબિયા, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સના કપ્તાનોએ WCA ના નિવેદનનું ખુલ્લું સમર્થન કર્યું છે.