Usman Tariq: સેલ્સમેન કેવી રીતે બન્યો પાકિસ્તાનનો સ્ટાર બોલર ઉસ્માન તારિક, વાંચો ધોની ફિલ્મએ કેવી રીતે બદલ્યું જીવન

રવિવારે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઉસ્માન તારિક પાકિસ્તાનનું મુખ્ય હથિયાર સાબિત થઈ શકે તેમ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 14 Feb 2026 02:03 PM (IST)Updated: Sat, 14 Feb 2026 02:20 PM (IST)
how-pakistans-star-bowler-usman-tariq-became-a-salesman-read-how-dhoni-biopic-film-changed-his-life

Usman Tariq Success story T20 world cup 2026: પાકિસ્તાનના 30 વર્ષીય રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકની કહાની અત્યંત પ્રેરણાદાયક અને કોઈ ફિલ્મી પટકથા જેવી છે. એક સમયે ક્રિકેટ રમવાનું સપનું છોડીને દુબઈમાં સેલ્સમેનની નોકરી શરૂ કરનાર ઉસ્માન આજે ટી-20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનનો સૌથી મોટો ‘ટ્રમ્પ કાર્ડ’ બનીને ઉભર્યો છે.

ધોનીની ફિલ્મે આપ્યું નવું જીવન

ઉસ્માન તારિક સ્વીકારે છે કે જો તેણે 2016 માં આવેલી બોલીવુડ ફિલ્મ ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ન જોઈ હોત, તો કદાચ તે આજે ક્રિકેટ ન રમતો હોત. ભારતીય સુકાની ધોનીના જીવન સંઘર્ષ, અસ્વીકાર અને અંતે મળેલી સફળતાની વાર્તાએ ઉસ્માનને ખાતરી કરાવી કે તેના માટે પણ સપના પૂરા કરવા માટે હજુ મોડું નથી થયું. આ ફિલ્મ જોયા બાદ તે દુબઈની નોકરી છોડીને ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો.

રહસ્યમય બોલિંગ એક્શન અને વિવાદ

ઉસ્માન તારિક તેની અત્યંત વિચિત્ર અને રહસ્યમય બોલિંગ શૈલી માટે જાણીતો છે. તેની કોણી ડબલ-જોઈન્ટેડ હોવાથી તે બોલ રિલીઝ કરતા પહેલા થોડી ક્ષણ અટકે છે, જે બેટ્સમેનોને ભારે મૂંઝવણમાં મૂકે છે. જોકે તેની એક્શન પર ભૂતકાળમાં બે વાર સવાલ ઉઠ્યા હતા, પરંતુ આઈસીસી (ICC) લેબોરેટરી દ્વારા તેને ક્લીન ચીટ આપવામાં આવી છે. ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અમ્પાયર અનિલ ચૌધરીએ પણ તેની એક્શનને સંપૂર્ણપણે કાયદેસર ગણાવીને તેનું સમર્થન કર્યું છે.

ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન અને નસીબનો સાથ

માત્ર ત્રણ મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ઉસ્માને અત્યાર સુધી રમેલી માત્ર 4 ટી-20 મેચોમાં 11 વિકેટ ઝડપી છે, જેમાં ઝિમ્બાબ્વે સામે રાવલપિંડીમાં લીધેલી યાદગાર હેટ્રિક પણ સામેલ છે. પોતાના વર્લ્ડ કપ ડેબ્યુમાં પણ તેણે અમેરિકા સામે 27 રન આપી 3 મહત્વની વિકેટો ઝડપીને મેચમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ઉસ્માનના મતે તેની પત્ની તેના માટે નસીબ લઈને આવી છે, કારણ કે જ્યારે તે લગ્નની વિધિઓમાં વ્યસ્ત હતો ત્યારે જ તેને ટીમમાં પસંદગીના સમાચાર મળ્યા હતા.

ભારત સામેની મેચમાં ધાતક સાબિત થઈ શકે છે

રવિવારે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઉસ્માન તારિક પાકિસ્તાનનું મુખ્ય હથિયાર સાબિત થઈ શકે તેમ છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આઘાએ ઉસ્માનને ટીમનું ‘એક્સ-ફેક્ટર’ ગણાવતા કહ્યું છે કે તે આર્ચ-રાઈવલ ભારત સામે ખાસ સાબિત થશે.