India Women vs Sri Lanka Women: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી પાંચ મેચોની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા 5-0થી ક્લીન સ્વીપ કર્યું છે. તિરુવનંતપુરમમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 175/7 રનનો સ્કોર નોંધાવ્યો હતો અને ત્યારબાદ શ્રીલંકાને 15 રને હરાવીને શ્રેણી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે મહિલા T20 ઇન્ટરનેશનલમાં ત્રીજી વખત 5-0થી શ્રેણી જીતી છે. આ અગાઉ ભારતે 2019માં વેસ્ટ ઈન્ડિઝ અને 2024માં બાંગ્લાદેશ સામે આ પરાક્રમ કર્યું હતું.
કેપ્ટન હરમનપ્રીતની શાનદાર ઇનિંગ
આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે મોખરે રહીને નેતૃત્વ કર્યું હતું. તેણે માત્ર 43 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 68 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2025માં મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમની આ પ્રથમ શ્રેણી હતી, જેમાં ટીમે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. બીજી તરફ શ્રીલંકાની ટીમે પ્રથમ વખત પાંચ મેચોની શ્રેણીમાં 5-0થી હારનો સામનો કરવો પડ્યો છે.
વનડેમાંથી T20માં આવવું પડકારજનક હતું
શ્રેણી જીત્યા બાદ હરમનપ્રીતે સ્વીકાર્યું હતું કે ફોર્મેટ બદલવું એટલું સરળ નહોતું. તેણે જણાવ્યું કે વનડે ક્રિકેટ રમ્યા બાદ તરત જ T20 મોડમાં શિફ્ટ થવું મુશ્કેલ હતું, પરંતુ ટીમમાં દરેક ખેલાડી ખૂબ જ પોઝીટીવ હતા. હરમનપ્રીતના જણાવ્યા અનુસાર એક બેટ્સમેન તરીકે તેની જવાબદારી ટીમના બેટિંગ લાઇનઅપને મજબૂતી આપવાની છે અને તે હંમેશા ટીમની જરૂરિયાત મુજબ યોગદાન આપવા માંગે છે. તેણીએ ઉમેર્યું કે વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ખેલાડીઓ આ શ્રેણી રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.
હરમનપ્રીત કૌરે વર્ષ 2025ને ભારતીય ટીમ માટે ખૂબ જ ફળદાયી ગણાવ્યું છે. તેણે કહ્યું કે અમને અમારી સખત મહેનતનું પરિણામ મળ્યું છે અને હવે અમારે આ જીતવાની આદતને જાળવી રાખવાની છે. આગામી સાત મહિનામાં ઘણું બધું T20 ક્રિકેટ રમવાનું છે, જેમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL) પણ સામેલ છે. હરમનપ્રીતે આશા વ્યક્ત કરી હતી કે જે રીતે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમ માટે બધું સારું રહ્યું છે, તે જ રીતે આગામી સમયમાં T20માં પણ ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે.
