WPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની Harmanpreet Kaur, શેફાલી વર્માનો રેકોર્ડ તૂટ્યો

મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો એકંદર રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સની જ નેટ સાઈવર-બ્રન્ટના નામે છે, જે 1031 રન સાથે 1000 રનનો આંકડો પાર કરનાર એકમાત્ર બેટર છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 10 Jan 2026 10:22 AM (IST)Updated: Sat, 10 Jan 2026 10:22 AM (IST)
harmanpreet-kaur-became-highest-run-scorer-among-indian-players-in-wpl

Harmanpreet Kaur WPL: મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026ની પ્રથમ મેચમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નવી મુંબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી રોમાંચક મેચમાં હરમનપ્રીતે 20 રનની ઈનિંગ રમી હતી. આ ટૂંકી પણ મહત્વની ઈનિંગ સાથે તે WPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગઈ છે. જોકે હરમનપ્રીતની આ સિદ્ધિ છતાં તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શેફાલી વર્માનો રેકોર્ડ તૂટ્યો
આ યાદીમાં હરમનપ્રીતે દિલ્હી કેપિટલ્સની સ્ટાર ખેલાડી શેફાલી વર્માને પાછળ છોડી દીધી છે. હવે હરમનપ્રીત કૌરના નામે WPLમાં કુલ 871 રન નોંધાયેલા છે, જ્યારે શેફાલી વર્મા 865 રન સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાના છે, જે હજુ પણ હરમનપ્રીતથી ઘણી પાછળ છે. મંધાનાએ અત્યાર સુધીમાં લીગમાં 664 રન બનાવ્યા છે અને મુંબઈ સામેની તાજેતરની મેચમાં તે માત્ર 18 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

WPL ના ટોપ 5 ઓલઓવર સ્કોરર્સની યાદી
મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો એકંદર રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સની જ નેટ સાઈવર-બ્રન્ટના નામે છે, જે 1031 રન સાથે 1000 રનનો આંકડો પાર કરનાર એકમાત્ર બેટર છે. બીજા ક્રમે એલિસ પેરી (972 રન) અને ત્રીજા ક્રમે મેગ લેનિંગ (952 રન) બિરાજમાન છે. હરમનપ્રીત કૌર આ ઓલઓવર લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે શેફાલી વર્મા પાંચમા ક્રમે છે.

ગઈકાલની મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સજીવન સજનાએ 45 અને નિકોલા કેરીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબી તરફથી નાદિન ડી ક્લર્કે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 155 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આરસીબીએ એક સમયે 65 રનમાં અડધી ટીમ ગુમાવી દીધી હતી, પરંતુ નાદિન ડી ક્લર્કે 44 બોલમાં 63 રનની ધમાકેદાર ઈનિંગ રમીને છેલ્લી ઓવરમાં આરસીબીને જીત અપાવી હતી.