Hardik Pandya to Leave MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી પૈકીની એક મુંબઈ ઇન્ડિયન્સ (MI)માં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રેન્ચાઇઝીના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી સિઝન પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડી દેશે. છેલ્લા બે વર્ષથી સતત ચાહકોના ટ્રોલીંગ અને ડ્રેસિંગ રૂમમાં વરિષ્ઠ ખેલાડીઓ સાથેના મતભેદોના કારણે હાર્દિક માનસિક રીતે સંપૂર્ણપણે થાકી ચૂક્યો છે અને તેણે મિડ-સિઝનમાં જ ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટને આ અંગે જાણ કરી દીધી હતી.
પ્લે-ઓફની રેસમાંથી બહાર થતાં જ લીધો નિર્ણય
આઇપીએલના એક ટોચના સત્તાવાર સૂત્રએ પીટીઆઈ (PTI)ને જણાવ્યું કે- હાર્દિક ભારે માનસિક તણાવ અને શારીરિક થાક અનુભવી રહ્યો હતો. આ સિઝન દરમિયાન તેને પીઠની ઈજા પણ નડી હતી. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ પ્લે-ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું, ત્યારે જ હાર્દિકે ટીમના હાઇ-કમાન્ડને સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે આગામી સમયમાં ટીમ સાથે આગળ વધવા માંગતો નથી. બંને પક્ષોએ પરસ્પર સહમતિથી અલગ થવાનો રસ્તો પસંદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનવું ભારે પડ્યું
વર્ષ 2024માં જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો અને પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ તેને કમાન સોંપાઈ, ત્યારથી જ વિવાદો શરૂ થયા હતા. વાનખેડે સ્ટેડિયમ સહિત દેશના અલગ-અલગ મેદાન પર ચાહકોએ હાર્દિકની જોરદાર હૂટિંગ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું કે- હાર્દિકની ઉંમર હજુ માત્ર 32 વર્ષ છે. એક યુવાન ખેલાડી આટલું બધું દબાણ ક્યાં સુધી સહન કરે? 2021માં જે મુંબઈ ઇન્ડિયન્સનો ડ્રેસિંગ રૂમ હાર્દિક છોડીને ગયો હતો, 2024માં પરત ફરતા તે વાતાવરણ સાવ બદલાઈ ચૂક્યું હતું. ટીમના વરિષ્ઠ ખેલાડીઓ એક મતના નહોતા. જ્યારે ટીમમાં દરેક વ્યક્તિ અલગ-અલગ દિશામાં ખેંચતાણ કરતી હોય, ત્યારે કેપ્ટન તરીકે કામ કરવું અશક્ય બની જાય છે. હાર્દિકને એ વાતનું પણ દુઃખ હતું કે જે સિનિયર્સ ભારતીય ટીમ માટે રમતી વખતે તેની પાસે 100% પ્રતિબદ્ધતાની આશા રાખતા હતા, તેઓ ફ્રેન્ચાઇઝીમાં તેને સપોર્ટ નહોતા કરી રહ્યા.
હવે હાર્દિક ક્યાં જશે?
હાર્દિક પંડ્યા આગામી સમયમાં અન્ય કોઈ ટીમ સાથે ટ્રેડિંગ કરશે કે સીધો મેગા ઓક્શનના પૂલમાં ઉતરશે તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, ક્રિકેટના ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે માનસિક શાંતિ અને સારા વાતાવરણ માટે હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો વિકલ્પ પસંદ કરી શકે છે. ઓગસ્ટ મહિના સુધીમાં આ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
મુંબઈ ઇન્ડિયન્સનો આગામી કેપ્ટન કોણ?
આગામી 2027ના મેગા ઓક્શન પહેલા મુંબઈ ઇન્ડિયન્સ પાસે કેપ્ટનશિપ માટે બે મુખ્ય વિકલ્પો છે
રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સ શોર્ટ-ટર્મ માટે ફરી રોહિત શર્મા પર વિશ્વાસ મુકી શકે છે. ટીમમાં ફરી એકતા લાવવા અને ફેન બેઝને ખુશ કરવા માટે રોહિત શ્રેષ્ઠ વિકલ્પ છે. 2027નો વન-ડે વર્લ્ડ કપ રોહિતની અંતિમ લડાઈ હોઈ શકે છે, તેથી તે આઈપીએલમાં એક છેલ્લી સિઝન માટે કમાન સંભાળી શકે છે.
તિલક વર્મા
ભવિષ્યની નવી ટીમ તૈયાર કરવા માટે રોહિતના માર્ગદર્શન હેઠળ યુવા ખેલાડી તિલક વર્માને કેપ્ટન બનાવી શકાય અને લાંબા ગાળા માટે ટીમ બિલ્ડિંગ કરી શકાય.મુંબઈ ઇન્ડિયન્સ આગામી સિઝનમાં કોઈ અખતરો કરવા માંગશે કે જૂના જોગી રોહિત શર્મા પર જ ભરોસો મૂકશે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.
