Hardik Pandya Ruled Out: ટીમ ઇન્ડિયાને ડબલ ઝટકો; કોહલી બાદ આ સ્ટાર ઓલરાઉન્ડર પણ અફઘાનિસ્તાન વનડે સીરીઝમાંથી બહાર

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ટેસ્ટ આપતી વખતે ક્વાડ્રિસેપ્સ સ્નાયુ ખેંચાઈ જવાથી અફઘાનિસ્તાન સામેની આગામી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 10 Jun 2026 11:50 AM (IST)Updated: Wed, 10 Jun 2026 11:50 AM (IST)
hardik-pandya-ruled-out-of-afghanistan-odi-series-vs-india-after-virat-kohli

Hardik Pandya Ruled Out, IND vs AFG ODI Series: અફઘાનિસ્તાન સામે શનિવારથી શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે (ODI) શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી બાદ હવે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરવા જઈ રહેલા હાર્દિકને ફિટનેસ ટેસ્ટ દરમિયાન ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુ) માં નવી ઈજા થઈ છે. આ નવી સમસ્યાના કારણે હવે તેને ઓછામાં ઓછા 3 અઠવાડિયા સુધી નેશનલ ક્રિકેટ એકેડેમીના રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવું પડશે.

ફિટનેસ ટેસ્ટ પાસ કર્યાના ગણતરીના કલાકોમાં જ ગૂંચવણ વધી

હાર્દિક પંડ્યા તાજેતરમાં IPL દરમિયાન થયેલી પીઠની ખેંચાણની સમસ્યામાંથી રિકવર થઈ રહ્યો હતો. બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી PTI ના મંગળવારના અહેવાલ મુજબ, CoE એ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંનેને રમવા માટે ફિટ જાહેર કર્યા હતા.

જોકે, ફિટનેસ મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન હાર્દિકે પૂરી 10 ઓવર બોલિંગ કરી હતી, જે દરમિયાન તેના ક્વાડ્રિસેપ્સ સ્નાયુમાં ગંભીર ખેંચાણ આવી ગઈ હતી. BCCIના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, 'હાર્દિકને આ નવી ઈજામાંથી રિકવર થવામાં અંદાજે 3 અઠવાડિયા જેટલો સમય લાગશે. પરિણામે, અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં તેના રમવાની કોઈ શક્યતા નથી.' મંગળવારે ફિટનેસ ક્લિયરન્સ મળ્યાના એક જ દિવસ બાદ હાર્દિક શ્રેણીમાંથી બહાર થતાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં આશ્ચર્ય અને આશંકાઓ જોવા મળી રહી છે.

14 જૂનથી શરૂ થઈ રહી છે ભારત-અફઘાનિસ્તાન સીરીઝ

  • પ્રથમ વનડે: 14 જૂન (શનિવાર) - ધર્મશાળા
  • બીજી વનડે: 17 જૂન (બુધવાર) - લખનૌ
  • ત્રીજી વનડે: 20 જૂન (શનિવાર) - ચેન્નાઈ

2027 ODI વર્લ્ડ કપના પ્લાનિંગનો મુખ્ય હિસ્સો

હાર્દિક પંડ્યાને તાજેતરમાં ભારતીય T20 ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો જેથી તે વનડે ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ આગામી 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવી રહ્યા છે, જેમાં હાર્દિકને એક અત્યંત મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવે છે. વર્ષ 2023ના વનડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. આ જ કારણ છે કે મેનેજમેન્ટ હવે તેની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી.