IPL 2027 પહેલા ગુજરાત ટાઈટન્સનો મોટો દાવ, બે વખત પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલને ₹4 કરોડમાં ખરીદ્યો

હર્ષલ પટેલે IPL કરિયરમાં અત્યાર સુધી 4 અલગ-અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમતા 124 મેચોમાં 151 વિકેટ ઝડપી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Nov 2026 03:51 PM (IST)Updated: Tue, 17 Nov 2026 03:51 PM (IST)
gujarat-titans-sign-harshal-patel-for-ipl-2027-for-rs-4-crore

IPL 2027: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 પહેલા ગુજરાત ટાઈટન્સ (GT) ટીમે પોતાની બોલિંગ લાઈન-અપને વધુ બળ આપતા ભારતના અનુભવી ઝડપી બોલર હર્ષલ પટેલને ટીમમાં સામેલ કરી લીધો છે. ગુજરાત ટાઈટન્સે હર્ષલ પટેલને રૂ. 4 કરોડનો કરાર કરી સ્ક્વોડમાં લીધો છે. ડેથ ઓવર્સમાં વૈવિધ્યસભર બોલિંગ માટે જાણીતા હર્ષલ પટેલના આગમનથી ગુજરાત ટાઈટન્સના પેસ આક્રમણને નવો અનુભવ અને મજબૂતી મળશે.

124 મેચ અને 151 વિકેટ: હર્ષલ પટેલનો IPLમાં દબદબો

હર્ષલ પટેલ IPLનો અત્યંત સાબિત થયેલો અને સફળ બોલર છે. તેણે અત્યાર સુધી 4 અલગ-અલગ ફ્રેન્ચાઇઝી તરફથી રમતાં 124 મેચોમાં 151 વિકેટ ઝડપી છે. તેની પાસે મેચની મહત્વપૂર્ણ ક્ષણોમાં અને દબાણ હેઠળ વિકેટો ઝડપવાની અનોખી ક્ષમતા છે, જે આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

 

2 વખત પર્પલ કેપ વિજેતા, મુંબઈ સામે 5 વિકેટનો રેકોર્ડ

હર્ષલ પટેલની IPL કારકિર્દી અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી રહી છે:

  • 2 વખત પર્પલ કેપ: હર્ષલે પોતાની કારકિર્દીમાં 2 વખત IPL ની પ્રતિષ્ઠિત પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ લેનાર બોલર) મેળવી છે. પ્રથમ વખત IPL 2021 સિઝનમાં 32 વિકેટ અને ત્યારબાદ IPL 2024 સિઝનમાં 24 વિકેટ લઈને તેણે પર્પલ કેપ પોતાના નામે કરી હતી.
  • મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટ: 2021ની સિઝનની પ્રથમ જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 રનમાં 5 વિકેટ (5/27) ઝડપીને તે IPL ઈતિહાસમાં મુંબઈ સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો.

મલિંગાનો રેકોર્ડ તોડીને IPL માં સૌથી ઝડપી 150 વિકેટ

હર્ષલ પટેલે બોલિંગના મામલે IPLમાં મોટો ઈતિહાસ રચ્યો હતો. 2025 ની સિઝન દરમિયાન તેણે માત્ર 2,381 બોલમાં પોતાની 150 IPL વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ તેણે શ્રીલંકાના મહાન બોલર લસિત મલિંગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જેણે 2,444 બોલમાં 150 વિકેટ પૂરી કરી હતી. હર્ષલ પટેલ IPL ઈતિહાસમાં બોલ ફેંકવાની દ્રષ્ટિએ સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર બન્યો છે.

ગુજરાત ટાઈટન્સને મળશે બોલિંગ લાઈન-અપમાં ફાયદો

ધીમા બોલ (સ્લોઅર વાઈન્ડ-અપ), સ્માર્ટ વેરીએશન અને કંટ્રોલ માટે જાણીતા હર્ષલ પટેલના આવવાથી ગુજરાત ટાઈટન્સની બોલિંગ લાઈન-અપને વધુ ઊંડાઈ મળશે. ટીમ પાસે મેચના દરેક તબક્કામાં બોલિંગ કરવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, તેનો બહોળો અનુભવ ટીમ શિબિરમાં યુવાન બોલરો માટે માર્ગદર્શક તરીકે પણ ઉપયોગી સાબિત થશે.