T20 સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડના ગુજ્જુ ક્રિકેટર જીત રાવલે લીધો સંન્યાસ, અમદાવાદમાં પાર્થિવ પટેલ સાથે કર્યું હતું ઓપનિંગ

જીત રાવલે અમદાવાદની એક શાળામાં પાર્થિવ પટેલ સાથે મેચ રમી હતી, તથા ન્યૂઝીલેન્ડ તરફથી 24 ટેસ્ટ મેચ રમી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 03:58 PM (IST)Updated: Fri, 09 Oct 2026 03:58 PM (IST)
gujarat-native-new-zealand-cricketer-jeet-raval-retirement-career-test-record-details
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલ

Jeet Raval Retirement: ભારત સામેની T20સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના અનુભવી ક્રિકેટર અને ગુજરાત મૂળના જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે. જીત રાવલ અગાઉ અમદાવાદની એક શાળામાં પાર્થિવ પટેલ સાથે ઓપનિંગ પણ કરી ચૂક્યા છે. જીત રાવલે ન્યૂઝીલેન્ડ તરફથી 24 ટેસ્ટ મેચ રમી છે. જાણો તેમના ટેસ્ટ રેકોર્ડ અને કરિયરની તમામ વિગતો.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ આ જ મહિને ભારતીય ટીમની યજમાની કરવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટીમ સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. આ સીરીઝ શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડના ખેલાડી જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે વર્ષ 2016 થી 2020 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 24 ટેસ્ટ મેચ રમી હતી.

જીત રાવલની આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ કરિયર

જીત રાવલે રમેલી 24 ટેસ્ટ મેચમાં 30.70ની એવરેજથી કુલ 1,143 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટથી 1 સદી અને 7 અડધી સદી નોંધાઈ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જીત રાવલ ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન માનવામાં આવે છે. તેમણે 164 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37.66ની એવરેજથી 10,432 રન બનાવ્યા, જેમાં 24 સદી અને 50 અડધી સદી સામેલ છે.

આ ઉપરાંત લિસ્ટ-એ ક્રિકેટમાં જીત રાવલે 96 મેચોમાં 4 સદી અને 18 અડધી સદીની મદદથી 2,714 રન બનાવ્યા હતા. જ્યારે 76 T20 મેચમાં તેમના બેટથી 1,484 રન નીકળ્યા હતા. તેમણે પોતાની સમગ્ર ક્રિકેટ કરિયરમાં કુલ 15,000 થી વધુ રન બનાવ્યા છે.

"મારું અને મારા પિતાનું સપનું હતું": ભાવુક નિવેદન

નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિએશને જીત રાવલને ટાંકીને લખ્યું છે કે, "મેં ખૂબ જ સન્માન અને ગર્વ સાથે આ નિર્ણય લીધો છે. હું મારા આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. મારા બાળપણનું સપનું ન્યૂઝીલેન્ડ માટે રમવાનું હતું અને હું તેને ગર્વની જેમ જોઉં છું. આ માત્ર મારું સપનું નહોતું, પરંતુ મારા પિતાનું પણ સપનું હતું. અમે એક તક જોઈ અને પરિવારને લઈને અહીં આવી ગયા, જેથી હું મારું સપનું જીવી શકું."

ગુજરાત સાથે રહ્યો છે ખાસ સંબંધ

38 વર્ષના જીત રાવલે વર્ષ 2008માં પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષે તેમણે ઓકલેન્ડ માટે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જીત રાવલનો ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મૂળ રીતે ગુજરાતના રહેવાસી છે અને તેમણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હતું.

તેઓ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલના ઓપનિંગ પાર્ટનર રહી ચૂક્યા છે. બંને ખેલાડીએ અમદાવાદની વિદ્યાનગર સ્કૂલમાં સાથે ઓપનિંગ બેટિંગ કરી હતી. તેઓ ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટમાં સૌથી સફળ ઓપનર તરીકે ગણાય છે. ડિસેમ્બર 2025 માં નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ તરફથી રમતી વખતે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો સ્પર્શનારા ન્યૂઝીલેન્ડના 30 મા બેટ્સમેન બન્યા હતા.

જીત રાવલે વર્ષ 2016માં પાકિસ્તાન સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી હતી. પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવા માટે તેમણે 28 ઈનિંગ્સ લીધી હતી, જે તેમની કરિયરની એકમાત્ર ટેસ્ટ સદી પણ રહી હતી. તેઓ વર્ષ 2021માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) જીતનારી ન્યૂઝીલેન્ડ ટીમનો પણ હિસ્સો રહ્યા હતા.