IND vs NZ Final, T20 world Cup 2026: રવિવારે ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ક્રિકેટ જગતમાં પોતાનું કદ વધુ ઊંચું કર્યું છે. ગંભીર હવે મેન્સ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ખેલાડી અને કોચ બંને તરીકે વર્લ્ડ ચેમ્પિયન બનનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
ખેલાડી તરીકેની યાદગાર સફર
ગૌતમ ગંભીરની આ સફર વર્ષ 2007માં શરૂ થઈ હતી. જ્યારે ભારતે પ્રથમવાર T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે ગંભીર તે ટીમના મુખ્ય સ્તંભ હતા. પાકિસ્તાન સામેની ફાઈનલમાં તેમણે રમેલી 75 રનની યાદગાર ઇનિંગ આજે પણ ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. ત્યારબાદ 2011ના ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પણ તેમણે 97 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
કોચ તરીકે અજેય રેકોર્ડ
2024ના T20 વર્લ્ડ કપ બાદ જ્યારે ગૌતમ ગંભીરે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે અનેક ટીકાકારોએ તેમની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, ગંભીરે પોતાના પરિણામોથી તમામને જડબાતોડ જવાબ આપ્યો છે:
- ચેમ્પિયન્સ ટ્રોફી: તેમના માર્ગદર્શન હેઠળ ભારતે 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો.
- T20 વર્લ્ડ કપ 2026: હવે તેમના કોચિંગ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
ગંભીરના ખાતામાં હવે કુલ 4 ICC ટાઇટલ છે - બે ખેલાડી તરીકે (2007 T20, 2011 ODI) અને બે કોચ તરીકે (ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 T20 વર્લ્ડ કપ).
ભારતીય ટીમે રચ્યા અનેક વિક્રમો
ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં રેકોર્ડ બુક્સ હલાવી દીધી છે:
- 1) સતત બે ખિતાબ: ભારત સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
- 2) ત્રણ ટ્રોફી: સૌથી વધુ (ત્રણ વખત) T20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ભારતને નામે થયો.
- 3) યજમાનનો દબદબો: ભારત પોતાની ધરતી પર T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ યજમાન રાષ્ટ્ર બન્યું છે.
ફાઈનલનો રોમાંચ
અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. જે ટી20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી અને 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 96 રનની આ જીત સાથે ભારતે સાબિત કરી દીધું કે ગંભીરની વ્યૂહરચના કેટલી સચોટ હતી.
ગૌતમ ગંભીરે ફાઈનલ બાદ પોતાના ટીકાકારોને આડકતરો ઠપકો આપતા સાબિત કર્યું કે પરિણામ જ સર્વોપરી છે. એક ખેલાડી તરીકે મેદાન પર લડ્યા બાદ હવે એક વ્યૂહરચનાકાર તરીકે ડ્રેસિંગ રૂમમાંથી ભારતને વિજય અપાવવામાં ગંભીર સફળ રહ્યા છે.
