IPL 2028: ગૌતમ ગંભીર પર 4 IPL ફ્રેન્ચાઈઝીની નજર, હેડ કોચના રોલની ઓફર; RR કે KKR... કોની સાથે જોડાશે?

IPL 2028 માટે અત્યારથી જ વિવિધ ફ્રેન્ચાઈઝીઓ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને સંપર્ક કરી પોતાની સાથે જોડવા પ્રયાસ કરી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 04:21 PM (IST)Updated: Fri, 30 Oct 2026 04:21 PM (IST)
gautam-gambhir-ipl-2028-coaching-role-which-franchises-kkr-rajasthan-royals

Gautam Gambhir IPL 2028: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનો કરાર ભલે વર્ષ 2027 ODI વર્લ્ડ કપ સુધીનો હોય, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની અનેક ફ્રેન્ચાઈઝી અત્યારથી જ તેમને પોતાની સાથે જોડવા માટે સક્રિય થઈ ગઈ છે. સોર્સમાં મળેલા અહેવાલો અનુસાર, 4 IPL ફ્રેન્ચાઈઝીએ ગૌતમ ગંભીર સાથે મેન્ટર અથવા હેડ કોચની ભૂમિકા માટે પ્રાથમિક ચર્ચા કરી છે.

IPL 2028 માટે 4 ફ્રેન્ચાઈઝી લાઈનમાં

ગૌતમ ગંભીર હાલ ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં 5 ટી20 મેચની સિરીઝમાં ભારતે 3-0 થી અજેય સરસાઈ મેળવી લીધી છે. ગંભીરનો BCCI સાથેનો વર્તમાન કરાર 2027 વનડે વર્લ્ડ કપ સુધી છે. જોકે, BCCI તરફથી આ કરારને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક સુધી લંબાવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ IPL 2028 માટે ગૌતમ ગંભીરની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ઉપરાંત રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ સાથે વાતચીત થઈ હોવાના અહેવાલ છે. આ સિવાય અન્ય બે ટીમોમાં એક IPL ની સૌથી સફળ ટીમોમાંની એક છે, જ્યારે બીજી ટીમે હજુ સુધી એક પણ ટ્રોફી જીતી નથી.

KKR અને LSG માં સફળ મેન્ટરશિપ

ગૌતમ ગંભીરનો IPL માં મેન્ટર તરીકેનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે:

  • લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): વર્ષ 2022 અને 2023 માં નવી-નવેલી લખનૌની ટીમના મેન્ટર તરીકે તેમણે સતત બંને વર્ષે ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી હતી.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): 2024 ની IPL સીઝનમાં KKR ના સહ-માલિક શાહરૂખ ખાનના વ્યક્તિગત આગ્રહથી તેઓ KKR સાથે જોડાયા અને શ્રેયસ અય્યરની કપ્તાનીમાં KKR ને 10 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું.

ગંભીરના ગયા બાદ KKR અને LSG બંને ટીમના પ્રદર્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગંભીર વગર KKR આગામી સીઝનમાં 7મા અને 8મા ક્રમે રહી હતી, જ્યારે લખનૌની ટીમ 2024 અને 2025 માં 7મા ક્રમે અને 2026 માં 10મા ક્રમે ધકેલાઈ ગઈ હતી.

ભારતીય ટીમ સાથે શાનદાર પ્રદર્શન

સફેદ બોલ (વ્હાઈટ બોલ) ક્રિકેટમાં ગૌતમ ગંભીરની રણનીતિના વિરોધીઓ પણ વખાણ કરે છે. તેમની કોચિંગ હેઠળ ભારતીય ટીમે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 ટી-20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. આ સિવાય એશિયા કપ જીતવાની સાથે શ્રીલંકા સામે 3-0, બાંગ્લાદેશ સામે 3-0, દક્ષિણ આફ્રિકા સામે 3-1, ઈંગ્લેન્ડ સામે 4-1, ઓસ્ટ્રેલિયા સામે 2-1 અને ન્યૂઝીલેન્ડ સામે 4-1 થી સિરીઝ જીતીને પોતાની કોચિંગ ક્ષમતા સાબિત કરી છે.