Gautam Gambhir Interview: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે તાજેતરમાં એએનઆઈના સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં ટીમની સફળતા, ખેલાડીઓ પ્રત્યેનો તેમનો અભિગમ અને ભવિષ્યના લક્ષ્યો વિશે ખુલીને વાત કરી છે. ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારત 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 નો T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે.
પ્રશ્ન: બે મોટા ICC ટાઇટલ જીત્યા બાદ તમને કેવું લાગે છે? તમારી રણનીતિ શું હતી?
જવાબ: આ પ્રવાસ માત્ર વર્લ્ડ કપ પૂરતો નહોતો. છેલ્લા 1.5 વર્ષથી અમે તૈયારી કરી રહ્યા હતા. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વિશ્વની સૌથી 'ફિયરલેસ' (નિડર) ટીમ બનાવવાનો હતો. ICC ટુર્નામેન્ટમાં જ્યારે દબાણ હોય ત્યારે તમે કેટલા બહાદુર બની શકો છો, તે જ નક્કી કરે છે કે તમે જીતશો કે નહીં. જીત માટે અમે દરેક મેચમાં તે બહાદુરી બતાવી છે.
પ્રશ્ન: મીડિયામાં ઘણીવાર 'સુપરસ્ટાર કલ્ચર'ની વાત થાય છે, તમારો તેના વિશે શું અભિપ્રાય છે?
જવાબ: મીડિયાનું કામ સુપરસ્ટાર બનાવવાનું હોઈ શકે છે, પરંતુ એક હેડ કોચ તરીકે મારું કામ 'સુપર ટીમ' બનાવવાનું છે. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા તમામ 15 ખેલાડીઓ મારા માટે સમાન છે. હું તેમની સોશિયલ મીડિયા ફોલોઈંગ કે રન જોઈને ભેદભાવ નથી કરતો. હું માત્ર એ જોઉં છું કે તેઓ ટીમ અને દેશ માટે શું યોગદાન આપી શકે છે.
પ્રશ્ન: તમે ટીમના ખેલાડીઓ માટે 'શીલ્ડ' (ઢાલ) બનવાની વાત કરી હતી, તેનો અર્થ શું છે?
જવાબ: આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ ટોક્સિક (ઝેરી) બની ગયું છે. એક મેચ ખરાબ જાય તો ખેલાડીઓની આકરી ટીકા થાય છે. એક કોચ તરીકે મારું કામ એ છે કે ખેલાડીઓને આ બહારના અવાજો અને ટીકાઓથી બચાવવા. ખેલાડીઓ પણ માણસ છે, તેમનાથી ભૂલ થઈ શકે છે. મારું કામ એ સાબિત કરવાનું છે કે મારા ખેલાડીઓ સાચા છે. મારી જવાબદારી માત્ર ડ્રેસિંગ રૂમમાં બેઠેલા તે 30 લોકો પ્રત્યે છે.
પ્રશ્ન: સંજુ સેમસનને તમે સતત સપોર્ટ કર્યો, તેની પાછળનું કારણ શું હતું?
જવાબ: મને હંમેશા લાગતું હતું કે સંજુમાં ટીમ માટે ઘણું બધું કરી છૂટવાની ક્ષમતા છે. દરેક ખેલાડીના જીવનમાં ખરાબ સમય (લીન પેચ) આવે છે, જેમ કે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેની સાથે થયું હતું. પરંતુ અમે તેને બ્રેક આપ્યો અને તેની ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો. તેણે સતત 3 હાફ સેન્ચુરી ફટકારીને સાબિત કર્યું કે તે કેટલો પ્રતિભાશાળી છે.
પ્રશ્ન: જય શાહ સાથે તમારા કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબ: જય શાહનું ભારતીય ક્રિકેટમાં ઘણું મોટું યોગદાન છે. ખાસ કરીને વુમન્સ ક્રિકેટમાં તેમણે જે પરિવર્તન આણ્યું છે તે પ્રશંસનીય છે. જ્યારે તેમણે મને કોચ બનવાની ઓફર આપી, ત્યારે હું તૈયાર નહોતો, પણ તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો. હારના સમયે પણ તેમણે મને ફોન કરીને મજબૂત રહેવા કહ્યું હતું. તેમણે મને કામ કરવાની પૂરેપૂરી આઝાદી આપી છે.
પ્રશ્ન: અર્શદીપ સિંહ દ્વારા મેદાન પર બતાવાયેલા આક્રમક વર્તન વિશે તમારું શું કહેવું છે?
જવાબ: જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોવ ત્યારે આક્રમકતા બતાવવી સ્વાભાવિક છે. કોઈ પણ બોલરને 2 સિક્સર વાગે તો તેને સારું ન લાગે. મને મારા ખેલાડીઓ પાસેથી આવો જ પ્રતિસાદ જોઈએ છે. અર્શદીપે માફી માંગી તે તેની મહાનતા છે, પણ જો માફી ન માંગી હોત તો પણ મને કોઈ વાંધો નહોતો. મેદાન પર કોઈ મિત્ર કે દુશ્મન નથી હોતા, તમારું કામ દેશ માટે મેચ જીતવાનું છે.
પ્રશ્ન: હવે તમારું આગામી લક્ષ્ય શું છે?
જવાબ: ટેસ્ટ ક્રિકેટ મારા હૃદયની ખૂબ નજીક છે. મારું હવે પછીનું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ માટે ક્વોલિફાય કરવાનું છે. અમારે હજુ 9 ટેસ્ટ મેચ રમવાની છે અને અમારું ધ્યાન હવે તેના પર રહેશે. ટેસ્ટ ક્રિકેટ એ એવું ફોર્મેટ છે જ્યાં તમારી સાચી વિરાસત (Legacy) બને છે.
પ્રશ્ન: તમે 20 વર્ષના યુવાન ગૌતમ ગંભીરને શું સલાહ આપશો?
જવાબ: હું તેને કહીશ કે 'નિડર (Fearless) બનો'. ભૂલો કરવાની અને નિષ્ફળ જવાની છૂટ રાખો. જો તમે ભૂલ કરવાથી ડરશો, તો તમે ક્યારેય જીતી શકશો નહીં.
