Mustafizur Rahman IPL Exit:પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)એ IPL હરાજીમાં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિઝુર રહેમાનને રૂપિયા 9.20 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો, જેનો ભારતમાં સતત વિરોધ થઈ રહ્યો હતો.
ભારતીયોના વિરોધ સામે ઝૂકીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL ફ્રેન્ચાઇઝ KKR ને બાંગ્લાદેશી ખેલાડીને તેની ટીમમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રહેમાન વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ માંગ કરી શકે છે કે આ વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં તેની મેચો ભારતની બહાર ખસેડવામાં આવે.
ગયા વર્ષે BCCIએ વ્યસ્ત સમયપત્રકને ટાંકીને બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે, પરંતુ BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે જો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે નહીં તો આ પ્રવાસ થવાની શક્યતા ઓછી છે.
દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગઈકાલે મોડી રાત્રે ઉતાવળે ઓનલાઈન મીટિંગ બોલાવી હતી, પરંતુ મીટિંગ પછી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું. જોકે બાંગ્લાદેશની વચગાળાની સરકારના રમતગમત મંત્રાલયના સલાહકાર ડૉ. આસિફ નજરુલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વર્લ્ડ કપ મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવા માટે ICCને પત્ર લખવા જણાવ્યું છે.
KKR એ ગયા મહિને થયેલી હરાજીમાં 30 વર્ષ ડાબોડી ફાસ્ટ બોલરને રૂપિયા 9.20 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ રૂપિયા2 કરોડ (₹20 મિલિયન) હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે પણ રહેમાન માટે જોરદાર બોલી લગાવી હતી.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ શનિવારે જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને KKR એ રહેમાનને રિલીઝ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો ફ્રેન્ચાઇઝી ઈચ્છે તો તે તેના ખેલાડીને વિનંતી કરી શકે છે અને બોર્ડ પરવાનગી આપશે.
KKR એ એક નિવેદન જારી કરીને કહ્યું કે IPLના નિયમનકાર તરીકે BCCIના નિર્દેશો પ્રમાણે તમામ પ્રક્રિયા અને નિર્દેશોનું પાલન કર્યા પછી ખેલાડીને મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં અનેક હિન્દુઓની હત્યા કરવામાં આવી છે.
દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેના કારણે BCCI પર દબાણ વધ્યું હતું. KKRના સહ-માલિક અને અભિનેતા શાહરૂખ ખાનને પણ આ મુદ્દા પર સતત નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમને દેશદ્રોહી પણ કહેવામાં આવ્યા હતા.
