Ind Vs Eng: 14 વર્ષીય ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) ઈંગ્લેન્ડ વિરુદ્ધની અંડર-19 વન-ડે મેચમાં માત્ર 52 બૉલમાં સદી ફટકારીને સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના કામરાન ગુલામના નામે હતો, જેણે 53 બૉલમાં સદી ફટકારી હતી. આ મેચમાં વૈભવે 78 બૉલમાં 10 સિક્સ અને 13 ફૉર સાથે 143 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ જોઈને રવિ શાસ્ત્રીએ તેની ક્રિકેટ કરિયરને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
હકીકતમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન સ્કાય ક્રિકેટ પર વાત કરતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વૈભવ સૂર્યવંશીને લઈને જણાવ્યું કે, નેશનલ ટીમમાં સ્થાન પાક્કુ કરવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ નિપુણતા મેળવવાની જરૂર છે. જે બાદ વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકશે.
ગત મેચમાં વૈભવ સદીથી ચૂકી ગયો હતો, પરંતુ આ મેચમાં તો તેણે ઈતિહાસ જ રચી દીધો. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)થી ચર્ચામાં આવ્યો હતો.
રાજસ્થાન રૉયલ્સ વતી રમતા વૈભવ સૂર્યવંશીએ T20 ઈતિહાસમાં સદી ફટકારના સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. જ્યારે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓમાં વૈભવનું નામ ક્રિસ ગેલ બાદ બીજા નંબર પર આવી ગયો છે.
ક્રિસ ગેલ 2013માં RCB તરફથી રમતા પૂણે વૉરિયર્સ વિરુદ્ધ 30 બૉલમાં સદી ફટકારી હતી. વૈભવે આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 35 બૉલમાં IPLની બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ પ્રદર્શનને જોતા જ ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી અંડર-19 ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ જેવી રીતે IPLમાં બેટિંગ કરી હતી, તેવી જ તોફાની બેટિંગ ઈંગ્લેન્ડમાં અંડર-19 ટીમ માટે કરી રહ્યો છે.
