Duleep Trophy 2026 Final: ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક એવી દુલીપ ટ્રોફી 2026 (Duleep Trophy 2026)નો ખિતાબ ઇસ્ટ ઝોને પોતાના નામે કરી લીધો છે. કેપ્ટન ઈશાન કિશનની (Ishan Kishan) 270 રનની ઐતિહાસિક અને તોફાની ઇનિંગના જોરે ઇસ્ટ ઝોને 13 વર્ષના લાંબા દુકાળનો અંત લાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ અગાઉ ઇસ્ટ ઝોનની ટીમ 2011-12 અને 2012-13ની સિઝનમાં ચેમ્પિયન બની હતી.
આ ફાઇનલ મેચમાં ઈશાન કિશન ઉપરાંત કુમાર કુશાગ્ર અને મોહમ્મદ કૌનૈન કુરૈશીએ પણ શાનદાર સદીઓ ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
કઈ રીતે ઇસ્ટ ઝોન બન્યું વિજેતા?
ફાઇનલ મુકાબલામાં ઇસ્ટ ઝોને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી જ ઇનિંગમાં રનનો પહાડ ખડકી દીધો હતો.
પ્રથમ ઇનિંગનો સ્કોર: ઇસ્ટ ઝોને 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે સાઉથ ઝોનની ટીમ માત્ર 336 રનમાં સમેટાઈ ગઈ હતી.
વિજેતા જાહેર કરવાનો આધાર: મેચના પાંચમા અને અંતિમ દિવસે ઇસ્ટ ઝોને પોતાની બીજી ઇનિંગ 7 વિકેટે 388 રન બનાવીને ડિકલેર કરી દીધી હતી. સમય પૂરો થતાં ફાઇનલ મેચ ડ્રોમાં પરિણમી હતી, પરંતુ પ્રથમ ઇનિંગની સરસાઈ (First Innings Lead) ના આધારે ઇસ્ટ ઝોનને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ઇસ્ટ ઝોનની બેટિંગ: ઈશાન કિશનનું રૌદ્ર સ્વરૂપ
પ્રથમ ઇનિંગમાં ઇસ્ટ ઝોનની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. ઓપનર અભિમન્યુ ઈશ્વરન અને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી વચ્ચે સદીની ભાગીદારી નોંધાઈ હતી. વૈભવ 37 બોલમાં 44 રન બનાવીને પોતાની અડધી સદીથી ચૂકી ગયો હતો, જ્યારે અભિમન્યુએ 72 રન અને ત્રીજા નંબરે આવેલા શિખર મોહને 85 રન ફટકાર્યા હતા.
ઈશાનની વિસ્ફોટક ઇનિંગ અને બેવડી સદી
કેપ્ટન ઈશાન કિશને મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.
તેણે 334 બોલનો સામનો કરીને 270 રન બનાવ્યા હતા, જેમાં 30 આકર્ષક ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. જોકે, તે પોતાની ત્રેવડી સદીથી માત્ર 30 રન માટે ચૂકી ગયો હતો.
કુમાર કુશાગ્ર (101 રન) સાથે મળીને ઈશાને 5મી વિકેટ માટે 230 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી.
સાઉથ ઝોનની લડત: તિલક વર્મા સદી ચૂક્યો
પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ ઝોનની શરૂઆત અત્યંત નબળી રહી હતી. રિકુ ભુઈ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
નારાયણ જગદીશને 32 રન અને દેવદત્ત પડિક્કલે 62 રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
કેપ્ટન તિલક વર્મા એ શાનદાર લડત આપી હતી, પરંતુ તે કમનસીબે 99 રનના સ્કોર પર આઉટ થતાં સદીથી એક રન માટે ચૂકી ગયો હતો.
ઇસ્ટ ઝોન તરફથી બોલિંગમાં ત્રિપુરન વિજયે તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં કુરૈશીની સદી
બીજી ઇનિંગમાં ઇસ્ટ ઝોનની શરૂઆત થોડી ખરાબ રહી હતી. વૈભવ (8) અને અભિમન્યુ (3) સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ ત્યારબાદ ઈશાન કિશને 80 રન અને શિખર મોહને 52 રન બનાવીને 126 રનની પાર્ટનરશિપ કરી હતી. મિડલ ઓર્ડરમાં મોહમ્મદ કૌનૈન કુરૈશીએ 116 રનની અણનમ સદી ફટકારી હતી.
એવોર્ડ્સ અને સન્માન
પ્લેયર ઓફ ધ મેચ: ઈશાન કિશન (બંને ઇનિંગમાં કુલ 350 રન અને શાનદાર કેપ્ટનશિપ માટે).
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ: તિલક વર્મા (સમગ્ર સિઝનમાં સાઉથ ઝોન માટે શાનદાર બેટિંગ પ્રદર્શન કરવા બદલ).
