VIDEO: શુભમન ગિલની ભૂલ જોઈ ભાન ભૂલ્યા આશિષ નેહરા, લાઈવ મેચમાં ડગઆઉટમાં જ પાડવા લાગ્યા બૂમો

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. જેમાં શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 52 રન અને વોશિંગ્ટન સુંદરે 55 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી

By: Jagran GujaratiPublish Date: Thu, 09 Apr 2026 03:17 PM (IST)Updated: Thu, 09 Apr 2026 03:17 PM (IST)
dc-vs-gt-ipl-2026-ashish-nehras-angry-reaction-to-shubman-gill-goes-viral-watch

Ashish Nehra Video, DC vs GT IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલો મુકાબલો અંતિમ બોલ સુધી રોમાંચક રહ્યો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હીને 1 રનથી હરાવીને સીઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી છે. જોકે, મેચ દરમિયાન એક એવી ક્ષણ આવી જ્યારે ગુજરાતના હેડ કોચ આશિષ નેહરા કેપ્ટન શુભમન ગિલની એક ભૂલ પર મેદાનની બહાર જ લાલઘૂમ થઈ ગયા હતા.

શું હતી શુભમન ગિલની ભૂલ?

આ ઘટના દિલ્હીની ઇનિંગની 16મી ઓવરમાં બની હતી, જ્યારે અશોક શર્મા બોલિંગ કરી રહ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેએલ રાહુલે એક રન લેવા માટે દોડ લગાવી હતી. આ સમયે ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન શુભમન ગિલે બોલ પકડીને રન આઉટ કરવાના ઈરાદે સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કર્યો હતો. બોલ વિકેટને તો લાગ્યો, પરંતુ તે ઉછળીને સીધો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. આ રીતે ગિલના ઓવરથ્રોને કારણે દિલ્હીને એક જ બોલ પર 5 રન (1 દોડીને અને 4 ઓવરથ્રોના) મફતમાં મળી ગયા હતા.

ડગઆઉટમાં આશિષ નેહરાનો ગુસ્સો

નિર્ણાયક સમયે મળેલી આ વધારાની બાઉન્ડ્રી જોઈને ડગઆઉટમાં બેઠેલા આશિષ નેહરા પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા. નેહરા અત્યંત નારાજ દેખાતા હતા અને તેઓ ડગઆઉટમાં જોરજોરથી ચિલ્લાવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુઝર્સનો દાવો છે કે નેહરાએ ગુસ્સામાં અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. તે સમયે નેહરાની પાસે દિગ્ગજ બોલર ઈશાંત શર્મા અને હેમાંગ બદની પણ ઉભેલા જોવા મળ્યા હતા.

મેચનો રોમાંચ અને સ્કોરકાર્ડ

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. જેમાં શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 52 રન અને વોશિંગ્ટન સુંદરે 55 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. દિલ્હી તરફથી કેએલ રાહુલે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહીં.

ડેવિડ મિલરની એક ભૂલ દિલ્હીને ભારે પડી

મેચના અંતિમ તબક્કે ડેવિડ મિલર દિલ્હી માટે બેટિંગ કરી રહ્યો હતો. અંતિમ ઓવરમાં જ્યારે દિલ્હીને જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી, ત્યારે મિલરે 5મા બોલ પર સિંગલ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેને વિશ્વાસ હતો કે તે છેલ્લા બોલે રન બનાવી લેશે, પરંતુ છેલ્લા બોલે તે રન બનાવી શક્યો નહીં અને રન લેવાના પ્રયાસમાં કુલદીપ યાદવ રન આઉટ થઈ ગયો હતો. પરિણામે દિલ્હી 209 રન પર અટકી ગયું અને ગુજરાતનો 1 રનથી વિજય થયો હતો.