IND W VS SA W Final: 2 નવેમ્બર રવિવારના રોજ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે ICC મહિલા વન-ડે વિશ્વકપ 2025ની ફાઈનલ મેચ (Womens World Cup Final 2025) રમાવા જઈ રહી છે. આ વખતે એક નવી મહિલા ટીમ વિશ્વ ચેમ્પિયન બનતી જોવા મળશે. જો કે નિર્ણાયક મેચની પહેલા જ વરસાદી વાતાવરણે ક્રિકેટ ફેન્સની ચિંતા વધારી દીદી છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ફાઈનલ મેચના દિવસે પણ વરસાદ થવાની ભરપુર શક્યતા છે. એવામાં ચાલો જાણીએ વરસાદ પડશે, તો મેચનું શું થશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે બપોરે તડકો નીકળતા તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ પણ વધારે રહેવાના કારણે હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. જો કે મેચ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો Womens World Cup Final 2025
જો વરસાદના કારણે બન્ને ટીમો નિર્ધારિત ઓવરો ના રમી શકે, તો મેચને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. જો કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નો પહેલો પ્રયાસ એજ રહેશે કે, મેચ નક્કી કરેલા દિવસે એટલે કે રવિવારે જ રમાઈ જાય. જો જરૂર જણાય, તો જ રમતને બીજા દિવસે ફરીથી ત્યાંથી જ રમાડવામાં આવશે, જ્યાંથી મેચ અટકી હોય.
કેવો રહેશે પિચનો મિજાજ
દક્ષિણ દિશામાંથી ફૂકાતા ભારે પવનના કારણે શરૂઆતની ઑવરોમાં ફાસ્ટ બૉલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, બેટિંગને અનુકુળ થતી જશે.
જ્યારે સાંજે તાપમાન ઘટીને 25 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે, જો કે ભેજનું પ્રમાણ વધારે રહેશે, જે બીજી ઈનિંગ્સમાં અસર કરી શકે છે. આમ બન્ને ટીમો માટે ટૉસ જીતવો અગત્યનો છે.
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમની વર્લ્ડકપમાં સફર કેવી રહી
આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી સતત 3 મેચમાં હારનો સ્વાદ ચાખ્યો હતો. જે બાદ શાનદાર વાપસી કરતા ફાઈનલમાં સ્થાન મેળવ્યું.
સેમી ફાઈનલ મેચમાં જેમિમા રોડ્રિગેજની અણનમ 127 રનની ઐતિહાસિક ઈનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી હતી.
બીજી તરફ સાઉથ આફ્રિકા લૌરા વૂલવાર્ટની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રિકાની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. ટીમની ઓલરાઉન્ડર મારીજાન કેપ અને ફાસ્ટ બૉલર અયાબોંગા ખાકાએ દરેક મેચમાં ઉમદા પ્રદર્શન કર્યું છે. આવતીકાલે બન્ને મજબૂત ટીમો સામ-સામે ટકરાશે. આ બન્ને ટીમોની તાકાત અલગ-અલગ હોવાથી મુકાબલો રોમાંચક બનવાની પુરી સંભાવના છે.
