IND W vs SA W Final: ભારતની મેન્સ ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતના T-20 ઈન્ટરનેશનલ ટીમના ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાથી આવતીકાલે રમાનારી વુમન્સ વર્લ્ડકપની ફાઈનલ પૂર્વે ભારતની મહિલા ખેલાડીઓને ઑલ ધી બેસ્ટ કહ્યું છે.
BCCI દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ટીમ ઈન્ડિયાના સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ સહિતના ખેલાડીઓએ મહિલા ક્રિકેટ ટીમને જીતવા માટે ફાઈનલ જીતવા માટે શુભકામના પાઠવી છે. આ સાથે જ હરમનપ્રીત કૌર અને તેની ટીમને વિજેતા ટ્રોફી ઉઠાવવા માટે આગ્રહ કર્યો છે.
મેન્સ ટીમના ખેલાડીઓએ મહિલા ક્રિકેટરોને ફાઈનલમાં નિડર થઈને રમવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમને અત્યાર સુધીના શાનદાર પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવી અને નવી મુંબઈમાં રમાનારી ફાઈનલ મેચમાં વધુ એક પ્રયાસ કરવા હાકલ કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સૂર્યકુમાર કહી રહ્યો છે કે, મહિલા ટીમને વિશ્વકપ ફાઈનલ માટે હાર્દિક શુભકામના. આ તકનો ભરપુર આનંદ લો. મારું માનવું છે કે, અત્યાર સુધીનું તમારું અભિયાન શાનદાર રહ્યું છે. મારા સાથી અને તમામ સપોર્ટ સ્ટાફ તમારી સાથે જ છે. ભારત માટે એક આખરી પ્રયાસ. જય હિન્દ…
A heartfelt message from the India men's team to the Women in Blue ahead of the big final! 💙 🏆#CricketTwitter #CWC25 #INDvSApic.twitter.com/hN9sMSDREt
— Female Cricket (@imfemalecricket) November 1, 2025
જણાવી દઈએ કે, પહેલી સેમીફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડને 125 રને હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ભારતે ઑસ્ટ્રેલિયા જેવી ધુરંધર ટીમને પાંચ વિકેટે ધૂળ ચટાડીને ત્રીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં રમાયેલા 12 મહિલા વિશ્વકપમાં 7 વખત ઑસ્ટ્રેલિયાની ટીમ જીતી ચૂકી છે.
