137 બોલ, 21 છગ્ગા અને 202* રન... મેદાન પર બેવોન જેકબ્સનું એવું વાવાઝોડું ફૂંકાયું કે વર્લ્ડ રેકોર્ડ તૂટતા-તૂટતા રહી ગયો!

ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ એસેસ તરફથી રમતા બેવોન જેકબ્સે 137 બોલમાં 21 છગ્ગા સાથે અણનમ 202 રન ફટકારી ન્યૂઝીલેન્ડનો લિસ્ટ-એ રેકોર્ડ તોડ્યો. જોકે, ઓટાગો વોલ્ટ્સ સામે ટીમનો પરાજય થયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 12 Nov 2026 05:13 PM (IST)Updated: Thu, 12 Nov 2026 05:13 PM (IST)
bevon-jacobs-202-in-ford-trophy-goes-in-vain

Bevon Jacobs 202 Runs: ક્રિકેટના મેદાન પર જ્યારે કોઈ બેટ્સમેન પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરે છે, ત્યારે બોલરો માટે બચવાનો કોઈ રસ્તો રહેતો નથી. આવું જ કંઈક ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં જોવા મળ્યું છે. ઓકલેન્ડ એસેસ તરફથી રમતા યુવા સ્ટાર બેટ્સમેન બેવોન જેકબ્સે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ઓટાગો વોલ્ટ્સ સામેની મેચમાં તેણે છગ્ગાઓનો એવો વરસાદ કર્યો કે ન્યૂઝીલેન્ડનો જૂનો રેકોર્ડ ધરાશાયી થઈ ગયો, જોકે તેની આ ઐતિહાસિક ઇનિંગ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

137 બોલમાં ફટકારી અણનમ બેવડી સદી

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓકલેન્ડ એસેસની ટીમ તરફથી બેવોન જેકબ્સ એક છેડો સાચવીને ઊભો રહ્યો હતો. તેણે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને મેદાનની ચારેય દિશામાં શોટ્સ ફટકાર્યા. જેકબ્સે માત્ર 137 બોલનો સામનો કરીને અણનમ 202 રનની વિરાટ ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને અધધ 21 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે 154 રન તો માત્ર ચોગ્ગા-છગ્ગા વડે જ બનાવી લીધા હતા.

ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ રેકોર્ડથી માત્ર 2 છગ્ગા દૂર રહ્યો

આ વિસ્ફોટક ઇનિંગ સાથે જ બેવોન જેકબ્સે ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં લિસ્ટ-એ (વન-ડે) મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોકે, તે ઓવરઓલ લિસ્ટ-એ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડવાથી માત્ર 2 છગ્ગા પાછળ રહી ગયો. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડી'આર્સી શોર્ટના નામે છે, જેણે એક ઇનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા.

જો આંતરરાષ્ટ્રીય વન-ડે (ODI) ક્રિકેટની વાત કરીએ તો, એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનના નામે છે. મોર્ગને 2019ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 17 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 16 છગ્ગા સાથે બીજા સ્થાને છે, જે તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ફટકાર્યા હતા.

એકલા હાથે લડ્યો જેકબ્સ, બાકીના બેટ્સમેનો નિષ્ફળ

ઓકલેન્ડ એસેસની ઇનિંગમાં એક તરફ બેવોન જેકબ્સ રનનો ઢગલો કરી રહ્યો હતો, તો બીજી તરફ ટીમના અન્ય બેટ્સમેનો ક્રિઝ પર ટકી શક્યા નહોતા. જેકબ્સ સિવાય ટીમનો અન્ય કોઈ પણ ખેલાડી 50 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. જેકબ્સના 202* રનના જોરે ઓકલેન્ડ એસેસે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 334 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ઓટાગો વોલ્ટ્સ તરફથી બોલિંગમાં એમબી બેકોન, એલઆઈ જોર્જેસન અને બીએનજે લોકરોઝે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે ટીસી ઓ'કોનોર અને જેટી ટોડને 1-1 સફળતા મળી હતી.

ટીમ વર્ક સામે બેવડી સદી પડી ફિક્કી

335 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓટાગો વોલ્ટ્સની ટીમે કોઈ એક ખેલાડી પર નિર્ભર રહેવાને બદલે ટીમ વર્કનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું. ઓપનર બોલિયેએ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 62 રન બનાવી ટીમને સારી શરૂઆત અપાવી. ત્યારબાદ એમડબલ્યુ ચૂએ માત્ર 55 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 75 રનની ઝડપી ઇનિંગ રમી મેચનું પાસું પલટી નાખ્યું. ટીકે પાર્ક્સે પણ 7 ચોગ્ગા ફટકારી 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ઓકલેન્ડ તરફથી આરડી હેરિસને સૌથી વધુ 2 વિકેટ લીધી, પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યો નહીં. ઓટાગો વોલ્ટ્સે 49.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 338 રન બનાવી લીધા અને 5 વિકેટે રોમાંચક જીત હાંસલ કરી. આ સાથે જ બેવોન જેકબ્સની ઐતિહાસિક અને યાદગાર બેવડી સદી ટીમની હાર સાથે એળે ગઈ હતી.