Ben Stokes suspended from England: ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા એક કડક નિર્ણય લેતા સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ અને આગામી મેચમાંથી હટાવી દેવામાં આવ્યો છે. વિશ્વ ક્રિકેટના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ ખેલાડીઓમાંના એક એવા બેન સ્ટોક્સ નાઇટ ક્લબમાં થયેલા ઝઘડા અને મારામારીના કેસમાં ફસાયા બાદ આ કડક કાર્યવાહી થઈ છે.
ઈંગ્લેન્ડ ટીમમાંથી બેન સ્ટોક્સ સસ્પેન્ડ
ECB દ્વારા ઇંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર અને કેપ્ટન બેન સ્ટોક્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને આગામી મેચમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ બેન સ્ટોક્સની જગ્યાએ સૌથી અનુભવી બેટ્સમેન જો રૂટને સત્તાવાર રીતે નવા કેપ્ટન જાહેર કર્યા છે. આ ઉપરાંત ટીમનો ફાસ્ટ બોલર ગસ એટકિન્સન પણ ટીમમાંથી બહાર રહેશે.
નશામાં રગ્બી પ્લેયર સાથે કરી મારામારી
આ સમગ્ર હાઈ-પ્રોફાઈલ વિવાદની શરૂઆત લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ થઈ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 115 રનથી પરાજય આપ્યો હતો. જીતનો જશ્ન મનાવવા માટે બેન સ્ટોક્સ અને તેનો સાથી ફાસ્ટ બોલર ગસ એટકિન્સન ટીમ કરફ્યુના નિયમોનો ભંગ કરીને લંડનની એક પ્રખ્યાત નાઇટ ક્લબમાં પહોંચ્યા હતા.
અહેવાલો મુજબ, ક્લબમાં મર્યાદા કરતાં વધુ આલ્કોહોલ પીધા બાદ નશાની હાલતમાં સ્ટોક્સ અને એટકિન્સનની એક રગ્બી પ્લેયર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં લોહિયાળ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ECB દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શું બેન સ્ટોક્સ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે? નાઈટક્લબ વિવાદ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટનનું પદ છોડવાની અટકળો તેજ
બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન બહાર
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ 17 જૂનથી લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાવાની છે. જોકે, નાઇટ ક્લબ વિવાદમાં ચાલી રહેલી પોલીસ અને આંતરિક તપાસને કારણે બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન આ ટેસ્ટ મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ બંને ખેલાડીની જગ્યાએ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને યુવા બેટ્સમેન જોર્ડન કોક્સ ટીમમાં સામેલ થયા છે.
બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની સ્ક્વોડ
જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રેવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ (વિકેટકીપર) અને જોશ ટંગ.
