શું બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે? નાઈટક્લબ વિવાદ બાદ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનનું પદ છોડવાની અટકળો તેજ

ટીમના સાથી ગુસ એટકિન્સન સાથેના નાઈટક્લબ વિવાદ બાદ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ કેપ્ટનશીપ છોડી દેવાનું અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હોવાના અહેવાલ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 09 Jun 2026 11:59 PM (IST)Updated: Wed, 10 Jun 2026 12:02 AM (IST)
will-ben-stokes-retire-from-test-cricket-speculations-grow-over-england-test-captaincy-resignation-after-nightclub-controversy

Ben Stokes Nightclub Controversy: ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ એક મોટા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મળેલી જીતની ઉજવણી દરમિયાન લંડનની એક નાઈટક્લબમાં થયેલા કથિત વિવાદને પગલે સ્ટોક્સના ક્રિકેટિંગ કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટોક્સ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી શકે છે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું ગંભીર પગલું પણ ભરી શકે છે.

શું છે સમગ્ર મામલો?

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 115 રનથી જીત થયાના થોડા કલાકો બાદ, સોમવારે વહેલી સવારે બેન સ્ટોક્સ અને તેમના સાથી ખેલાડી ગસ એટકિન્સન એક નાઈટક્લબમાં હાજર હતા, જ્યાં એક ઘટના બની હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ મામલે તપાસ શરૂ કરી છે. ECB એ પણ પુષ્ટિ કરી છે કે તેઓ આ ઘટનાની વધુ માહિતી મેળવી રહ્યા છે અને આગામી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં વિલંબ કરી શકે છે.

શું કહે છે રિપોર્ટ્સ?

ધ ક્રિકેટરના વરિષ્ઠ પત્રકાર જ્યોર્જ ડોબેલના જણાવ્યા અનુસાર, સ્ટોક્સ શિસ્તભંગની કાર્યવાહીની રાહ જોવાને બદલે સ્વૈચ્છિક રીતે પદ છોડી શકે છે. એવું માનવામાં આવે છે કે સ્ટોક્સ આ વિવાદથી ખૂબ જ વ્યથિત છે અને તેઓ ક્રિકેટમાંથી બ્રેક લેવાનું પણ વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2021માં પણ માનસિક સ્વાસ્થ્યના કારણોસર તેમણે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લીધો હતો.

વધુમાં, છેલ્લા કેટલાક સમયથી હેડ કોચ બ્રેન્ડન મેકકુલમ સાથેના સંબંધોમાં અંતર હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે, જેના કારણે સ્ટોક્સ આ વિવાદને ક્રિકેટમાંથી સન્યાસ લેવાના એક નિમિત્ત તરીકે જોઈ શકે છે.

આ ઘટના બાદ ઈંગ્લેન્ડ ટીમમાં શિસ્ત અને ખેલાડીઓના વર્તનને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. ક્રિકેટ ચાહકો હવે ECBના સત્તાવાર નિવેદન અને સ્ટોક્સના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.