Mustafizur Rahman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. આ આદેશ મુજબ KKR એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી રીલીઝ કરવો પડશે. બોર્ડ દ્વારા આ નિર્ણય વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેને કારણે ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વાતાવરણને ધ્યાનમાં રાખીને મુસ્તફિઝુર રહેમાનનો વિરોધ થઈ રહ્યો હતો, જેના પગલે BCCI એ આ પગલું ભર્યું છે.
શાહરૂખ ખાન અને ફ્રેન્ચાઈઝી પર દબાણ
મુસ્તફિઝુર રહેમાન બાબતે BCCI પર સતત દબાણ વધી રહ્યું હતું. ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેઓ રાષ્ટ્રીય હિતને નજરઅંદાજ કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓ પણ આ મામલે ફ્રેન્ચાઈઝી અને ખેલાડી સામે સવાલો ઉઠાવી રહ્યા હતા.
KKRને મળશે નવો ખેલાડી
મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા ડિસેમ્બરમાં યોજાયેલી મિની હરાજીમાં 9.20 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. જોકે, હવે તેને રીલીઝ કરવામાં આવતા BCCI એ સ્પષ્ટ કર્યું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ તેની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીની માંગ કરી શકે છે. દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે KKR ની અપીલ પર બોર્ડ રિપ્લેસમેન્ટ માટે મંજૂરી આપી દેશે.
મુસ્તફિઝુર રહેમાન વર્ષ 2016 થી IPL રમી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેણે કુલ આઠ સીઝનમાં ભાગ લીધો છે. જોકે, તેણે 2019 અને 2020 ની સીઝનમાં આ લીગમાં ભાગ લીધો ન હતો.
