Asian Games 2026 Pakistan Women: એશિયન ગેમ્સ 2026 ના મહિલા ક્રિકેટ ઇવેન્ટમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે બ્રોન્ઝ મેડલ પર કબ્જો જમાવી લીધો છે. મંગળવારે આઇચી-નાગોયાના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં પાકિસ્તાન મહિલા ટીમે બાંગ્લાદેશને 31 રનથી કરારી શિકસ્ત આપી હતી. એશિયન ગેમ્સના ઇતિહાસમાં 12 વર્ષના લાંબા ઇંતજાર બાદ આ પ્રથમ તક છે જ્યારે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે કોઈ મેડલ જીત્યો છે.
કેપ્ટન ફાતિમા સનાની આક્રમક બેટિંગ
મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને 12મી ઓવર સુધીમાં માત્ર 67 રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આવી નાજુક સ્થિતિમાં કેપ્ટન ફાતિમા સનાએ ટીમની કમાન સંભાળી હતી. તેમણે માત્ર 30 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 45 રનની આક્રમક ઈનિંગ રમી હતી.
ફાતિમા સના ઉપરાંત ગુલ ફિરોઝાએ 23 બોલમાં 31 રન, આલિયા રિયાઝે 22 બોલમાં 25 રન અને શાવાલ ઝુલ્ફિકારે 17 રનનું યોગદાન આપ્યું હતું. આ મદદથી પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 145 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. બાંગ્લાદેશ તરફથી નાહિદા અખ્તર, શોર્ના અખ્તર અને રીતુ મોનીએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે સંજીદા અખ્તરને 1 વિકેટ મળી હતી.
ઉમ્મ-એ-હાનીની કાતિલ સ્પિન બોલિંગ સામે બાંગ્લાદેશ ધ્વસ્ત
146 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. માત્ર 20 રનના સ્કોર પર ટીમે 3 મુખ્ય વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન નિગાર સુલતાના (25 રન) અને શાર્મિન અખ્તરે (46 રન) ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધતા રન રેટના દબાણ સામે આખી ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. શાર્મિન અખ્તરે 45 બોલમાં 4 ચોગ્ગા સાથે 46 રનની લડાયક ઈનિંગ રમી હોવા છતાં તે ટીમને જીત અપાવી શકી ન હતી.
પાકિસ્તાન તરફથી ઓફ-સ્પિનર ઉમ્મ-એ-હાનીએ ઘાતક બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તસ્મિયા રૂહાબ, કેપ્ટન ફાતિમા સના, નશરા સંધૂ અને આયશા ઝફરે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 114 રન જ બનાવી શકી હતી અને 31 રનથી મેચ હારી ગઈ હતી.
12 વર્ષ બાદ પાકિસ્તાન ટીમે ઈતિહાસ રચ્યો
આ જીત સાથે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે 12 વર્ષ પછી એશિયન ગેમ્સમાં મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. એશિયન કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ એશિયન ગેમ્સમાં મળેલો આ બ્રોન્ઝ મેડલ પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
