Asian Games 2026, IND W vs BAN W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026 ની બીજી સેમિફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એશિયન ગેમ્સના ખિતાબી મુકાબલામાં હવે ભારતનો સામનો શ્રીલંકા સામે થશે. શ્રીલંકાએ પ્રથમ સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતે બાંગ્લાદેશને 114 રનથી હરાવ્યું
આજે 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી આ સેમિફાઈનલ મેચમાં હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ ભારતીય ટીમે બાંગ્લાદેશને 114 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીતની સાથે ભારતે પોતાનો એક મેડલ પણ પાકો કરી લીધો છે. હવે સમગ્ર દેશની નજર ફાઈનલ મુકાબલા પર છે.
શેફાલી વર્માએ ફટકારી પ્રથમ T20I સદી
ભારતની આ જીતમાં શેફાલી વર્માની બેટિંગ જોરદાર ચમકી હતી. શેફાલી વર્માએ પોતાની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી હતી. શેફાલીએ 49 બોલમાં અણનમ 100 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગના દમ પર ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
196 સામે બાંગ્લાદેશ 81 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, મોટા સ્કોરના દબાણ સામે બાંગ્લાદેશની ટીમ 15.4 ઓવરમાં માત્ર 81 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ હજુ સુધી T20I માં આ લક્ષ્ય હાંસલ કરી શકી નથી. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ટીમ પર દબાણ હતું, જે તેમની રમતમાં સ્પષ્ટ દેખાતું હતું.
ભારતીય બોલરોનું શરૂથી જ શાનદાર પ્રદર્શન
નંદની શર્માએ બીજી ઓવરના પ્રથમ બોલે જ જુઆરિયા ફિરદોસને શૂન્ય (0) રને આઉટ કરીને પેવેલિયન ભેગી કરી હતી. ક્રાંતિ ગૌડે ત્રીજી ઓવરના ત્રીજા બોલે શોભના મિસ્ટ્રીને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાના 9 રનના વ્યક્તિગત સ્કોર પર શ્રીચરણીનો શિકાર બની હતી.
