IND vs AFG 2nd Quarter-Final, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં પુરુષ ક્રિકેટની બીજી ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો સતત વરસાદના કારણે ટોસ થયા વિના રદ કરવામાં આવ્યો છે. આ મેચ રદ થયા બાદ ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અગાઉ જ ગોલ્ડ મેડલ જીતી લીધો છે, અને હવે પુરુષ ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવાથી બે સ્ટેપ દૂર છે.
કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં વરસાદના કારણે મેચ રદ
એશિયન ગેમ્સ 2026 માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ક્વાર્ટર ફાઈનલ મેચ નિશિનનાકોરોગી સ્પોર્ટ્સ પાર્ક (Korogi Sports Park) ખાતે રમાવાની હતી. મેચ પહેલાથી જ સતત પડી રહેલા વરસાદના કારણે મેદાન પર કવર્સ ઢાંકેલા હતા અને મેદાનની સ્થિતિ સતત ખરાબ રહી હતી.
અગાઉ પણ આ જ વેન્યુ પર પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો પણ ટોસ થયા વિના રદ કરવો પડ્યો હતો. મેદાનની પરિસ્થિતિ રમત રમાડવા માટે યોગ્ય ન હોવાથી અને મેચ ટૂંકી કરીને રમાડવાનો પણ કોઈ વ્યવહારુ વિકલ્પ ન હોવાના કારણે અધિકારીઓએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
મેચ રમ્યા વગર ભારત કેવી રીતે સેમિફાઈનલમાં?
એશિયન ગેમ્સ 2026 ના પુરુષ ક્રિકેટ મુકાબલામાં નોકઆઉટ મેચો માટે કોઈ રિઝર્વ ડે (Reserve Day) રાખવામાં આવ્યો નથી. આવા સંજોગોમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણસર ક્વાર્ટર ફાઈનલનું પરિણામ ન આવે, તો સર્વશ્રેષ્ઠ ICC T20 રેન્કિંગ ધરાવતી ટીમને વિજેતા માનવામાં આવે છે. હાલમાં ભારતીય ટીમ ICC T20 રેન્કિંગમાં નંબર-1 પર છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 10 મા સ્થાને છે. આ નિયમના કારણે મેચ રદ થયા બાદ ભારતને સીધી સેમિફાઇનલની ટિકિટ મળી ગઈ છે.
ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતની આગામી મેચ
ભારત એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટનું વર્તમાન ચેમ્પિયન છે. 2023 ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ વરસાદના કારણે પૂરી થઈ શકી ન હતી, અને વધુ સારા સીડિંગના આધારે ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. હવે એશિયન ગેમ્સ 2026 માં પણ ભારત ક્વાર્ટર ફાઈનલ રમ્યા વગર અંતિમ ચારમાં પહોંચી ગયું છે અને ગોલ્ડ મેડલ જીતવાની પોતાની દાવેદારી આગળ વધારશે.
સેમિફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા અને નેપાળ વચ્ચે થનાર ક્વાર્ટર ફાઈનલ મુકાબલાના વિજેતા સાથે થશે. બીજી તરફ, પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ અને મલેશિયા વચ્ચેના ક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સામે થશે.
અફઘાનિસ્તાનની ટીમ માટે નિરાશાજનક અંત
અફઘાનિસ્તાનની ટીમ માટે આ ટૂર્નામેન્ટમાં અંત અત્યંત નિરાશાજનક રહ્યો. ટીમે ગ્રુપ સ્ટેજમાં રમીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ભારત સામેનો નવો નોકઆઉટ મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો મુકાબલો મેદાન પર નક્કી થઈ શક્યો નહીં અને ભારતીય ટીમ નિયમોના આધારે આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ.
