Arjun Tendulkar Education: ભારતીય ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના ક્રિકેટ વારસાના આગળ વધારતા તેમના પુત્ર અર્જુન તેંડુલકર પણ ક્રિકેટ જગતમાં નામના મેળવી રહ્યો છે. અર્જુન તેંડુલકર ડાબા હાથના મીડીયમ ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન છે, જેમનો આજે જન્મદિવસ છે. પરંતુ શું તમે જાણો છો અર્જુન તેંડુલકર કેટલું ભણેલા છે અને તેમનું શિક્ષણ અને ક્રિકેટ કરિયર કેવું રહ્યું છે.
અર્જુન તેંડુલકરનો અભ્યાસ અને શિક્ષણ
ઘણા ક્રિકેટ પ્રેમીઓ જાણવા માંગે છે કે માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્ર અર્જુન તેંડુલકર કેટલા ભણેલા-ગણેલા છે. અર્જુન તેંડુલકરે પોતાનું શાળાકીય શિક્ષણ મુંબઈની જાણીતી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી 12મા ધોરણ સુધી પૂરું કર્યું છે. 12મું ધોરણ પાસ કર્યા પછી તેમણે દેશની પ્રતિષ્ઠિત મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. જોકે, અર્જુને કયા વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે તેની ચોક્કસ માહિતી હાલ ઉપલબ્ધ નથી.
અર્જુન તેંડુલકરના પરિવારમાં કોણ કોણ છે?
અર્જુન સચિન તેંડુલકર એક ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તેઓ ડાબા હાથના મીડીયમ ફાસ્ટ બોલર અને નીચલા ક્રમના ડાબોડી બેટ્સમેન છે, જે નીચલા ક્રમમાં બેટિંગ કરવા માટે જાણીતા છે. અર્જુન તેંડુલકરનો જન્મ 24 સપ્ટેમ્બર, 1999 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે થયો હતો.
- પિતાનું નામ: સચિન તેન્ડુલકર (પૂર્વ ભારતીય ક્રિકેટર)
- માતાનું નામ: અંજલિ તેંડુલકર (ડૉક્ટર)
- બહેનનું નામ: સારા તેંડુલકર
અર્જુન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી અને ડેબ્યુ
અર્જુન તેંડુલકર પણ પોતાના પિતા માસ્ટર બ્લાસ્ટર સચિન જેમ એક શ્રેષ્ઠ ક્રિકેટર બનવા તરફ આગળ વધી રહ્યા છે.
અંડર-19 ડેબ્યુ: જુલાઈ 2018માં અર્જુને શ્રીલંકા સામે ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ તરફથી Four-day મેચ રમીને આંતરરાષ્ટ્રીય જુનિયર સ્તરે ડેબ્યૂ કર્યું હતું.
મુંબઈ T20 ડેબ્યૂ: જાન્યુઆરી 2021 માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ ટીમ તરફથી T20 ડેબ્યૂ કર્યું હતું.
ગોવા ટીમમાં તક: શરૂઆતમાં તેઓ મુંબઈની જુનિયર અને ડોમેસ્ટિક ટીમો માટે રમતા હતા. પરંતુ મુંબઈની મુખ્ય ટીમમાં નિયમિત તક ન મળવાને કારણે 2022-23 ની સીઝનમાં ગોવા ક્રિકેટ એસોસિએશન સાથે જોડાવાનો નિર્ણય લીધો.
રણજી ટ્રોફીમાં સદી: ડિસેમ્બર 2022માં ગોવા તરફથી રમતા રણજી ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં જ તેમણે રાજસ્થાન સામે 120 રનની શાનદાર સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે આ જ સિદ્ધિ તેમના પિતા સચિન તેંડુલકરે પણ પોતાના રણજી ડેબ્યૂમાં મેળવી હતી.
અર્જુન તેંડુલકરની IPL કારકિર્દી (IPL Career)
અર્જુન તેંડુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. IPL 2021 ની ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેમને₹20 લાખની બેઝ પ્રાઈઝ પર ટીમમાં સામેલ કર્યા હતા. બે સીઝન સુધી બેન્ચ પર રહ્યા બાદ, તેમણે 16 એપ્રિલ 2023 ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL ડેબ્યૂ કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરીને તેમણે ભુવનેશ્વર કુમારને આઉટ કરી પોતાની પ્રથમ IPL વિકેટ ઝડપી હતી.
