મનન વાયા, અમદાવાદ.
Anil Patel: આપણે ક્રિકેટ શબ્દ સાંભળીએ તો સામાન્યપણે આપણા મગજમાં આપણી મનગમતી ટીમ કે મનપસંદ ક્રિકેટરની છબી આવતી હોય છે. આવું થવા પાછળનું કારણ એ છે કે, તેઓ કંઈક એવું કરીને આપણી મેમરીમાં એટલા સ્ટ્રોંગલી એટેચ થઈ ગયા હોય છે કે, ક્રિકેટ શબ્દને મગજ તેમની સાથે રજિસ્ટર કરે છે. જો કે, ફેન્સને અમુકવાર એવા વિન્ટેજ હીરોઝની ખબર નથી હોતી જેઓ ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ બંને જગ્યાએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને આપણી આ ક્રિકેટની રમતને ધબકતી રાખે છે. આજે આપણે વાત કરીશું ગુજરાત ક્રિકેટનું શૂન્યમાંથી સર્જન કરનાર અનિલ પટેલ (Anil Patel) વિશે જેઓ હાલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન(GCA)ના સેક્રેટરીની ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્લેયર, કોચ, સિલેક્ટર, રેફરી, એડમિનિસ્ટ્રેશન, ઓપરેશન્સ, ટીમ મેનેજર. ક્રિકેટની દુનિયામાં એવી કોઈ ભૂમિકા નથી જે અનિલ પટેલે સફળતાપૂર્વક ન ભજવી હોય. અનિલ પટેલ, જેમને ગુજરાતમાં ક્રિકેટના વિકાસની જવાબદારી ખુદ અમિત શાહ(Jay Shah)એ આપી હતી. અનિલ પટેલે ગુજરાતી જાગરણ સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી. આગળની વાતચીત તેમની સાથેના અંશના આધારે.
1984થી 1999 દરમિયાન ગુજરાતની ટીમ રણજી મેચ નહોતી જીતી
એ જમાના ગુજરાત ક્રિકેટનો સૌથી ખરાબ સમયગાળો ચાલી રહ્યો હતો. એ 15 વર્ષ દરમિયાન ટીમ મેચ નહોતી જીતતી. મોટાભાગની મેચો આઉટરાઈટ હારી જતા હતા. ત્યારે મને ઇન્સ્ટિસ્ટ કરવામાં આવ્યું કે, હું સીનિયર રણજી ટીમનો કોચ બની જાઉં. જો કે, મારુ પહેલું રિએક્શન હતું કે મને અંડર-19 ટીમ સાથે મજા આવી રહી છે. જો કે, તેમનો આગ્રહ જોતા પછી મેં હા પાડી પરંતુ એક કન્ડિશન મૂકી કે 18 પ્લેયર્સ ઓગસ્ટ મહિનામાં મને આપી દેવાના. ત્યારે રણજી ગેમ્સ બધા માટે લકઝરી હતી, ફિટનેસ બોટમલાઇન પર હતી અને કોઈને હાર્ડવક નહોતું કરવું. ઉલ્લેખનિય છે કે 1984થી 1999 દરમિયાન ગુજરાતની ટીમે 65 રણજી મેચ રમી હતી, જેમાંથી 25 હારી હતી જ્યારે 40 ડ્રો ગઈ હતી. ટીમ એકપણ મેચ જીતવામાં સફળ રહી ન હતી.
સીનિયર્સ સાથેની પહેલી મીટિંગ
ચાર્જ સંભાળ્યા બાદ મેં એક ડિનર ઓર્ગેનાઈઝ કર્યું અને બધાને બોલાવ્યા. ત્યાં હાજર સીનિયર્સ પ્લેયર્સને વિશ્વાસમાં લીધા કે તમારે અમુક બદલાવ કરવા પડશે. હું 7 વર્ષથી અંડર-19 ટીમનો કોચ હતો અને એ બેચના 7-8 છોકરાઓ હવે મુખ્ય ટીમમાં હતા પણ એમના અને સીનિયર્સ વચ્ચેનો ફિટનેસ ગ્રાફ બહુ વધારે હતો. મેં સીનિયર્સને સમજાવ્યા કે તમે બહુ સારા બેટ્સમેન છો પરંતુ 50-60 રને અટકી જાવ છો. જો તમારે 200 રન કરવા હોય તો તમારી પાસે એ સ્ટ્રેન્થ જ નથી. 2-3 કલાક બેટિંગ કર્યા બાદ થાકને લીધે તમે ભૂલ કરશો અથવા ખોટો શોટ રમશો. ફિટનેસ એટલે જરૂરી છે અને એના માટે જ આપણે સીઝન શરૂ થાય એના 2 મહિના પહેલાં અત્યારે ભેગા થયા છીએ.
પ્લેયર્સે આપ્યો સાથ અને કરી ભરપૂર મહેનત
હું એપ્રીશિએટ કરું છું કે ભાવિન મહેતા, મુકુંદ પરમાર, લલિત પટેલ, અમ્રિશ કોટેચા, પથિક પટેલ, તેજસ વત્સાની સહિત તમામ પ્લેયર્સ રાજી થયા અને સારી મહેનત કરી. તમે માનશો નહીં જે ટીમે 15 વર્ષમાં એકેય મેચ નહોતી જીતી તેણે પ્રથમ વર્ષે જ 6 મેચો જીતી. 3 વનડે જીત્યા અને 3 રણજી ટ્રોફીની મેચ જીતી. નોંધનીય છે કે, રણજી ટ્રોફીમાં 4માંથી 3 મેચ જીતેલા અને એક ડ્રો ગયેલી. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને બરોડા સામે જીતેલા. અમે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જાત પણ અમારા અને મહારાષ્ટ્રના પોઈન્ટ્સ સરખા હતા, તેવામાં બોનસ પોઇન્ટનો બેનિફિટ તેમને મળી ગયો હતો.
જ્યારે ગાંગુલીએ ગુજરાતની ટીમને આવીને કીધું, વેલ ડન!
નેક્સ્ટ યર અમે ઇન્ડિયા ટોપ-8માં આવી ગયા હતા. ત્યારે અમે ક્વાર્ટફાઇનલમાં બંગાળ સામે કોલકાતામાં માત્ર 13 રને હાર્યા હતા. ત્યારે સૌરવ ગાંગુલી (Saurav Ganguly) ઇન્ડિયા લીડ કરતો હતો પણ રણજી ટ્રોફી રમવા ખાસ આયેલો. આપણે એકઝકયૂઝ આપવામાં માનતા નથી પણ હકીકત એ છે કે એ મેચમાં અમ્પાયરિંગ ખરાબ રહી હતી. મેચ પછી દાદા (સૌરવ) અમારી ટીમને મળ્યા અને દેખાવ બદલ બધાને અભિનંદન પણ પાઠવ્યા.
ગુજરાતમાં સ્મૂથ ટ્રાન્ઝીશનનું ધ્યાન રાખ્યું
એ પછી જે 5-6 સીનિયર્સ હતા, એ મારી પાસે આવ્યા અને કહ્યું, થેંક્યુ સર અમને આ લેવલ સુધી પહોંચાડવા માટે, હવે અમે બધા સાથે નિવૃત્તિ લેવા માગીએ છીએ. હું ગુસ્સે થયો કે આ યોગ્ય સમય નથી. હું સમજી શકું છું કે તમારી અપેક્ષા હતી એક નોકઆઉટ રમવાની અને તમે એને પૂરી કરી. હવે તમારી જવાબદારી છે કે નીકળતા પહેલા એક નવી ટીમ ઊભી કરો, એક સ્મૂથ ટ્રાન્ઝીશનનું ધ્યાન રાખો. ભાવિક અને મુકુંદ મેં જોયા બેસ્ટ બોલર્સ અને બેટ્સમેનમાંથી એક છે, લલિત એ સમયે ઇન્ડિયાના બેસ્ટ પેસ બોલર્સમાંથી એક હતો. પથિક એક કમ્પ્લીટ પેકેજ હતો. આ બધાને મેં રિકવેસ્ટ કરી કે, એક નવી બેચને તમે તૈયાર કરો. 2-3 વર્ષમાં નવી ટીમ બની, એમાં પાર્થિવ પટેલ ઈન્ક્લુડ થયો.
BCCI મેચ રેફરી પણ રહ્યા
તે બાદ 4 વર્ષ સુધી હું રણજી ટ્રોફીમાં ગુજરાત સાથે જોડાયેલો રહ્યો અને ત્યાર બાદ BCCIમાં મેચ રેફરી તરીકે ફરજ નિભાવી. 4 વર્ષ સિલેક્ટર રહ્યો અને વેસ્ટ ઝોન કમિટીમાં પણ સિલેક્ટર રહ્યો હતો. જુનિયર સિલેક્શન કમિટી ઓફ BCCIનો પણ ભાગ રહ્યો હતો.
અમિતભાઈ સાથે કામ કરવા અંગે
2008માં નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) અને અમિતભાઈ શાહે એસોશિએશનને ટેકઓવર કર્યું હતું. અમિતભાઈએ રિકવેસ્ટ કરી કે, હું એડમિનિસ્ટ્રેશનમાં આવી જાવ. જેથી બધાને ગાઈડ કરું. એમને ખબર હતી કે હું ફિલ્ડનો માણસ છું અને મારો આગ્રહ પણ એવો જ હતો કે, સાહેબ હું ફિલ્ડમાં જ કામ કરવા ઇચ્છુ છું. જો કે, એમણે બે પાર્ટ કરેલા એ સમયે, જે લોકો ફિલ્ડમાં કામ કરે, એ ફિલ્ડમાં કામ કરે અને જે એડમિનિસ્ટ્રેશનમાં કામ કરે, એ એમાં જ જોડાયેલા રહે. હું તૈયાર થયો અને એમની સાથે કામ કરવા મળ્યું. તે સમયે સમજાયું કે, એમની જોડે કામ કરવામાં બહુ લિબર્ટી છે, એ પ્રોજેક્ટ કે ટાસ્ક આપી દે અને તેને ફુલફિલ કરવા પૂરેપૂરી છૂટ પણ આપે. જાતે નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ ખરી. મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA)નો સેક્રેટરી બનાવ્યો અને GCAમાં ઇન્ટરનેશનલ મેચીસ હોય ત્યારે હું ક્રિકેટ ઓપરેશન સંભાળતો હતો.
ગુજરાતમાં ક્રિકેટનો ઓવરઓલ ગ્રોથ
હું CBCAનો સેક્રેટરી થયો ત્યારે અમદાવાદમાં 4 જ ટૂર્નામેન્ટ રમાતી હતી, 2 મેજરની અને 2 સ્કૂલની, એ સિવાય કોઈ ક્રિકેટ રમાતું જ નહોતું. અમિતભાઈએ કહ્યું કે, ક્રિકેટને બહુ ઉપરના સ્તરે લઈ જવું છે અને એમણે ખુબ સપોર્ટ પણ કર્યો. ત્યારે નરેન્દ્રભાઈ GCAના પ્રેસિડન્ટ હતા અને તેમણે પણ કહ્યું કે, માત્ર અમદાવાદ નહીં બીજા જિલ્લાનું ક્રિકેટ સ્તર પણ ઉંચુ આવું જોઈએ. ત્યારબાદ અમે બધા ડિસ્ટ્રિક્ટ અને અમદાવાદમાં એકેડમી શરૂ કરી. 2010-11ના વર્ષમાં અમે સ્ટેડિયમમાં એકેડમી શરૂ કરી. અંડર-14, અંડર-16 એમ જુનિયર્સ માટેની સુવિધા ઊભી કરવામાં આવી હતી. અમે ટેલેન્ટ સર્ચ પણ કરતા હતા. આખા અમદાવાદમાંથી 500-600 છોકરાઓને બોલાવતા અને 50-50ના બેચમાં વેચીને 100 જેટલા છોકરાઓ શોર્ટલિસ્ટ કરતા. પછી એમને 2-3 દિવસ ટ્રેનિંગ આપ્યા બાદ ફરી એમાંથી શોર્ટ લિસ્ટ કરતા. આ રીતે 2-3 અઠવાડિયાની ટ્રેનિંગ અને સ્કાઉટીંગ બાદ અંતે 40-45ની બેચ રહેતી અને અમે તેને આખું વર્ષ ટ્રેનિંગ આપતા હતા.
નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો હતો ક્રિકેટના વિકાસ માટે આ ખાસ આગ્રહ
નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો આગ્રહ પણ એવો જ હતો કે આપણે તેમની પાસેથી એક રૂપિયો નથી લેવાનો. તમામ ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ, એ પણ ક્વોલિફાઇડ કોચીસ દ્વારા. મારી લીડરશિપમાં મેં એ એકેડમી 10 વર્ષ સંભાળી, જ્યાં એક સમયે 4 જ ટૂર્નામેન્ટ થતી હતી, અમે 11 વાર્ષિક ટૂર્નામેન્ટ સુધી તેને લઈ ગયા. અંડર-14, અંડર-16, અંડર-19, અંડર-22… BCCIની ફ્રેમમાં જેટલી પણ ટૂર્નામેન્ટ હતી એટલી હું અમદાવાદમાં રમાડતો હતો. ડીસ્ટ્રીક્ટની ટૂર્નામેન્ટમાં વર્ષ દરમિયાન અહીં 380થી વધુ મેચો રમાડતો હતો, 450 દિવસ ક્રિકેટ રમાય, આ બધું મેનેજ કરવું. અમિતભાઈએ એક સારું માર્ગદર્શન આપ્યું હતું કે, આપણે કોઈ સ્કૂલ કે કોલેજ પાસેથી ફી નહીં લેવાની ખાલી રજીસ્ટ્રેશન ફોર્મ જ, જે 150 કે 200 રૂપિયાનું હોતું હતું. આજની તારીખમાં પણ એ જ પદ્ધતિ ચાલુ છે, સ્કૂલ કે કોલેજે બીજું કઈ પ્રોવાઈડ પણ નહીં કરવાનું. ક્રિકેટિંગ ગિયર, ગ્રાઉન્ડ, જમવાનું, મિનરલ વોટર બધું એસોશિએશન જ પ્રોવાઈડ કરે છે.
GCAમાં કામગીરી
છેલ્લા 3-4 વર્ષમાં જય ભાઈ (Jay Shah) નેતૃત્વમાં આવ્યા, તો એમની હેઠળ મને GCAમાં કામ કરવાની તક મળી. પહેલા જોઈન્ટ સેક્રેટરી તરીકે રોલ નિભાવ્યો અને હાલ સેક્રેટરી તરીકે કાર્યરત છું. GCAમાં અપોઈંટ થયા બાદ મેં અમદાવાદની જેમ બીજા ડીસ્ટ્રીક્ટમાં પણ ક્રિકેટનું એ રીતે સેટઅપ ઉભું કર્યું. ક્વોલિફાઇડ કોચીસ અને અમ્પાયરના સેમિનાર ગોઠવ્યા, જેથી પ્રોફેશનલિઝ્મ અને ક્વોલિટી આઉટપુટ વધે. 3 વર્ષમાં અમે અમદાવાદમાં 4 કોચીસ સેમિનાર કર્યા છે. તેનાથી આપણને 20 જેટલા નવા કોચીસ મળ્યા છે.
કોરોનાનો સમયગાળો બહુ ચેલેંજિંગ હતો
અમારા માટે બહુ ચેલેંજિંગ હતું કે, ક્રિકેટર્સને કેવી રીતે સર્વાઇવ કરાવવા. જયભાઈ સાથે આ અંગે ડિસ્કશન કર્યું અને તેમની પરવાનગી લઈને અમે એક ટીમ ઉભી કરી. બધા પ્રોટોકોલ ફોલો થશે એનું ધ્યાન રાખ્યું અને મોટી સંખ્યામાં પ્લેયર્સને નહોતા બોલાવ્યા. સરકારની ગાઇડલાઇન હતી 10 કે 20, અને આપણી પાસે ઘણી જગ્યા છે, ગુજરાત કોલેજના 2 ગ્રાઉન્ડ હતા, મોટરા પણ હતું. એટલે અમે જુદા-જુદા એજ ગ્રુપના ક્રિકેટર્સને ત્રણેય ગ્રાઉન્ડ પર મેડિકલની ટીમ સાથે ફિટનેસ અને રૂટિન સેશન્સ શરૂ કર્યા. જેથી છોકરાઓ ફરીથી ક્રિકેટ સાથે કનેક્ટ થઈ શકે. ટચવુડ, ભગવાનની મહેરબાની કે એવો એકપણ કેસ થયો નહીં કે જ્યાં આપણને એવું કઈ ફીલ થાય. ગયા વર્ષથી ધીમે-ધીમે ક્રિકેટ શરૂ થયું છે. હવે અમે જે ડીસ્ટ્રીક્ટમાં 5-7 વર્ષથી ક્રિકેટ સંપૂર્ણપણે બંધ હતું, ત્યાં શરૂ કર્યું છે. એમાં BCCI પ્રમાણે જે પણ હોવા જોઈએ એ બધા એજ-ગ્રુપમાં ક્રિકેટ શરૂ કર્યું અને એ ક્રમમાં જ પછી કેમ્પસ ગોઠવીને પ્લેયરને ઘડવાનું કામ આગળ વધાર્યું. પાર્થિવ પણ અમારી સાથે કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા છે, એમનું માર્ગદર્શન પણ મહત્ત્વનું થઈ જાય છે.
જયભાઈનો માસ્ટરસ્ટ્રોક
જયભાઈએ એક એવું સરસ કામ કર્યું, જે આજસુધી ગુજરાતમાં થયું નહોતું. એમણે CAC (ક્રિકેટ એડવાઈઝરી કમિટી)ની નિમણુંક કરી. એમાં બધા એક્સપિરિયન્સ ધરાવતા ખેલાડીઓ જેમ કે, પાર્થિવ પટેલ, NCAના કોચ અપૂર્વ દેસાઈ, કિરત દામાણી અને મારો સમાવેશ થાય છે. આ CAC આખું ક્રિકેટિંગ કેલેન્ડર પ્લાન કરે કે આગામી સીઝનમાં શું થવું જોઈએ અને કેવી રીતે કામ કરવાનું છે. સિલેક્ટર્સથી લઈને કોચીસ સુધીની ફ્રેમવર્ક બનાવીને જયભાઈ આગળ રજૂ કરીએ અને એમાંથી જે પણ યોગ્ય લાગે એને તેઓ મંજૂરી આપે. જયભાઈ અને મોટા સાહેબે કાયમ ક્રિકેટને પ્રોત્સાહિત કરવાનું જ કામ કર્યું છે. અમને પૂરી લિબર્ટી હતી કે, ગુજરાતના ક્રિકેટિંગ સ્તરને ઉપર લઈ જવા માટે જે કરવું જરૂરી લાગે એ બધું કરો.
G-1ની શરૂઆત કરી
સેક્રેટરી તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ મેં G-1ની શરૂઆત કરી. G-1 એટલે આ ટૂર્નામેન્ટમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્રની ટીમ્સ એકબીજા સામે રમે. એ ઘણા ટાઈમથી રમાતી હતી પણ સીનિયર ટીમો જ એકબીજા સામે ટકરાતી હતી. ધનરાજ નથવાણી (Dhanraj Nathwani - GCA President) પણ ક્રિકેટ માટે હંમેશા સપોર્ટિવ હોય છે. જયભાઈની મંજૂરી લઈને આપણે અંડર-14, અંડર-16 અને અંડર-19ની પણ G-1 રમાડી. વુમન્સમાં પણ આ રીતે ટૂર્નામેન્ટ રમાડવામાં આવી. બરોડા અને સૌરાષ્ટ્રને રિકવેસ્ટ કરી કે બધી જગ્યાએ બે-બે ટૂર્નામેન્ટ રમાઈ. એનાથી ક્રિકેટર્સને આઉટસ્ટેશન રમવાનો ફાયદો પણ થતો અને તેમજ આ BCCI સીઝનની એક મહિના પહેલાં કરતા હતા, જેથી પ્લેયર્સ સીઝન માટે રેડી પણ થઈ જાય.
ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટૂર્નામેન્ટ શરૂ કરી જેને ધનરાજ ભાઈએ સ્પોન્સર કરી
આ ટૂર્નામેન્ટ શરૂ કરવા પર BCCIએ પણ અમારા વખાણ કર્યા. આ અંડર-19 ટૂર્નામેન્ટ ધનરાજ ભાઈએ સ્પોન્સર કરી છે. અમે જયભાઈને કહ્યું, ત્યારે એમણે કીધું કે ખબ જ સારો વિચાર છે. આખા ઇન્ડિયામાંથી 8 સ્ટેટને ઇન્વાઇટ કર્યા અને 4 જગ્યાએ એકસાથે મેચો રમાતી હતી. નડિયાદ, આણંદ અને અમદાવાદ (2 ગ્રાઉન્ડ). સીનિયર્સ માટે ઘણા બધા પ્લેટફોર્મ છે, આ ટૂર્નામેન્ટનો હેતુ જુનિયર ક્રિકેટને પ્રમોટ કરવાનો હતો.
બ્રીફ બેકગ્રાઉન્ડ: 1972થી ક્રિકેટિંગ જર્ની શરૂ થઈ
મેં બહુ મહેનત કરી છે, એ વખતે આજના ક્રિકેટર્સને મળે છે એવી ફેસિલિટી પણ નહોતી. મેં ક્રિકેટના બેઝીઝ પર HL કોલેજમાં એડમિશન લીધું હતું અને ત્યાંથી પણ મને સારું ક્રિકેટ રમવા મળ્યું. મેં 1972-73ના વર્ષથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. બીજા જ વર્ષે હું cooch biharમાં સિલેક્ટ થયો. 2 વર્ષ કૂચ બિહાર રમ્યો. પછી 4 વર્ષ સી.કે. નાયુડુ અંડર-22 રમ્યો અને 1981-1986 દરમિયાન ગુજરાત માટે એક વિકેટકીપર બેટ્સમેન તરીકે રણજી ટ્રોફી રમ્યો હતો. મેં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું 1992 સુધી ચાલુ રાખ્યું હતું. છેલ્લે હું બેન્ક ઓફ ઇન્ડિયા માટે રમતો હતો.
અનિલ પટેલ છેલ્લા 51 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છે. કોઈપણ રોલ હોય, કોઈપણ કામ હોય, ગેમને રીડ કરવામાં એમના જેવી મહારત ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં જૂજ લોકોમાં જ હશે. સેલ્યુટ છે રમત પ્રત્યેના આ પેશન અને કમિટમેન્ટને.
