ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં બીજીવાર બન્યો આવો રેકોર્ડ, 20 વર્ષના અફઘાની ખેલાડીએ રચ્યો ઈતિહાસ!

Cricket Records: અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના ખેલાડીએ તરખાટ મચાવી દીધો છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 11:43 AM (IST)Updated: Wed, 18 Nov 2026 11:43 AM (IST)
afghanistan-player-naseer-khan-scored-a-century-and-took-five-wickets-in-his-debut-test

Cricket Records: ક્રિકેટના મેદાન પર દરરોજ નવા રેકોર્ડ બને છે, પરંતુ કેટલાક કારનામા એવા હોય છે જે વર્ષો સુધી યાદ રહે છે. આવું જ કંઈક અફઘાનિસ્તાનના યુવા ખેલાડી નસીર ખાન મારૂફખિલે કરી બતાવ્યું છે. અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં 20 વર્ષના આ ખેલાડીએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને 149 વર્ષ જૂના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

149 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં બીજીવાર જોવા મળ્યો આવો રેકોર્ડ

અફઘાનિસ્તાનના 20 વર્ષના ઓલરાઉન્ડર નસીર ખાન મારૂફખિલે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ એવું કારનામું કર્યું છે જે ટેસ્ટ ક્રિકેટના લાંબા ઈતિહાસમાં બીજીવાર જોવા મળ્યું છે. નસીરે ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સાથે સદી પણ ફટકારી છે.

આ સાથે તે ટેસ્ટ ડેબ્યૂમાં સદી અને પાંચ વિકેટ લેનારો દુનિયાનો માત્ર બીજો ખેલાડી બન્યો છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડના બ્રુસ ટેલરે 1965માં ભારત સામે આ સિદ્ધિ મેળવી હતી. એટલે કે લગભગ 61 વર્ષ બાદ કોઈ ખેલાડીએ ટેસ્ટ ડેબ્યૂમાં આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

ડેબ્યૂ મેચમાં 7 વિકેટ લઈને બેટિંગમાં પણ મચાવી ધમાલ

નસીર ખાને ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં પોતાની બોલિંગથી શરૂઆતથી જ પ્રભાવ પાડ્યો હતો. તેણે ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગમાં 151 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે વિરોધી ટીમના મહત્વના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ત્યારબાદ બેટિંગમાં પણ નસીરે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગમાં તેણે 20 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેણે એક છેડો સંભાળીને શાનદાર બેટિંગ કરી હતી. નસીરે 242 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. આટલું જ નહીં, નસીરે બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે પણ 106 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આમ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે કુલ 9 વિકેટ અને 121 રન બનાવ્યા હતા.

નસીરની સદી છતાં અફઘાનિસ્તાનને ન મળી જીત

નસીર ખાનના આ ઐતિહાસિક પ્રદર્શન છતાં અફઘાનિસ્તાનની ટીમ મેચ જીતી શકી નહોતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગમાં 339 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ઇનિંગમાં ઝિમ્બાબ્વેએ 9 વિકેટે 295 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. જેના કારણે અફઘાનિસ્તાનને જીતવા માટે મોટો લક્ષ્યાંક મળ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી નસીરે અણનમ 101 રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય બેટ્સમેનોનો સાથ ન મળતાં ટીમ 360 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ રીતે ઝિમ્બાબ્વેએ આ રોમાંચક મુકાબલો 57 રને જીતી લીધો હતો. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ બે ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી પોતાના નામે કરી હતી. જોકે, અફઘાનિસ્તાન માટે આ મેચનું પરિણામ ભલે નિરાશાજનક રહ્યું હોય, પરંતુ નસીર ખાન મારૂફખિલે પોતાના ડેબ્યૂ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં આગવી ઓળખ બનાવી લીધી છે.