Abhishek Sharma: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપમાં મેળવેલી ઐતિહાસિક સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ વિજયના જશ્ન વચ્ચે ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા. અભિષેકે વર્લ્ડ કપ પહેલા લીધેલી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરતા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
વર્લ્ડ કપ પહેલા લીધી હતી ખાસ માનતા
માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અભિષેક શર્માએ ભાવુક થતા જણાવ્યું હતું કે, વર્લ્ડ કપની ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તેમણે માતાજીના દરબારમાં હાજરી આપી હતી. તે સમયે તેમણે પ્રાર્થના કરી હતી કે જો ભારત T20 વર્લ્ડ કપ જીતશે, તો તેઓ ફરી એકવાર દર્શન કરવા માટે આવશે. ભારતની ભવ્ય જીત બાદ પોતાની આ ઇચ્છા પૂર્ણ થતા તેઓ અત્યંત આનંદિત જણાતા હતા. તેમણે ટીમની સફળતાનો સંપૂર્ણ શ્રેય માતા વૈષ્ણો દેવીની દૈવી કૃપાને આપ્યો હતો.
હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા ભવન
અભિષેક શર્મા શુક્રવારે બપોરે જમ્મુથી હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા. તેઓ મુખ્ય મંદિર સંકુલના માર્ગ પર આવેલા 'પંછી હેલિપેડ' પર ઉતરાણ કર્યું હતું. ત્યાંથી તેઓ પગપાળા વૈષ્ણો દેવી ભવન તરફ આગળ વધ્યા હતા. પવિત્ર ગુફામાં દર્શન દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટ ટીમ ભવિષ્યમાં પણ આ રીતે વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરતી રહે તેવી વિશેષ પ્રાર્થના કરી હતી.
ચાહકોનું ઉષ્માભર્યું સ્વાગત અને કટરા સાથેનો નાતો
અભિષેક શર્મા જ્યારે ભવન પહોંચ્યા ત્યારે ત્યાં હાજર અનેક શ્રદ્ધાળુઓ અને ક્રિકેટ પ્રેમીઓએ તેમને ઓળખી લીધા હતા. સ્થાનિક ક્રિકેટર ગણેશ સહિત અનેક ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ચાહકોએ તેમની સાથે ફોટા પડાવ્યા હતા અને ભારતની જીતની ખુશી વ્યક્ત કરી હતી.
કટરા પ્રીમિયર લીગ
અભિષેક શર્માનો કટરા સાથે જૂનો સંબંધ છે. તેઓ અગાઉ અહીં 'કટરા પ્રીમિયર લીગ'માં પણ રમી ચૂક્યા છે. તેમણે ખાતરી આપી હતી કે જો તેઓ ભારતમાં હાજર હશે, તો કટરા પ્રીમિયર લીગની આગામી પાંચમી આવૃત્તિમાં રમવા માટે ચોક્કસપણે આવશે.
દર્શન અને પૂજન બાદ અભિષેક શર્મા હેલિકોપ્ટર દ્વારા કટરા હેલિપેડ પર પરત ફર્યા હતા અને ત્યાંથી કાર દ્વારા જમ્મુ જવા રવાના થયા હતા. એક ખેલાડી તરીકે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તેમની આ ધાર્મિક આસ્થા અને વિનમ્રતાએ સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા છે.
