Ind vs Eng: અભિમન્યુ ઈશ્વરનને તક ન મળતા પિતા ભડક્યાં, ભારતીય ટીમના પસંદગી માપદંડો પર ઉઠાવ્યા સવાલ

અભિમન્યુ ઈશ્વરનને ટેસ્ટ ડેબ્યૂની તક ન મળી. ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર કરુણ નાયર પર ભરોસો મૂક્યો. જેના કારણે અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરન ગુસ્સે થયા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 01 Aug 2025 08:50 AM (IST)Updated: Fri, 01 Aug 2025 08:50 AM (IST)
abhimanyu-easwaran-father-ranganathan-easwaran-criticised-team-india-selection

India vs England Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી મેચ ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ 4 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ તેમાં અભિમન્યુ ઈશ્વરનને ટેસ્ટ ડેબ્યૂની તક ન મળી. ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર કરુણ નાયર પર ભરોસો મૂક્યો. આના કારણે અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરન ગુસ્સે થયા. તેમણે ભારતીય ટીમના પસંદગી માપદંડો પર જ સવાલો ઉઠાવ્યા છે.

ભારતીય ટીમના પસંદગી માપદંડોની આકરી ટીકા

રંગનાથન ઈશ્વરને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ સાથેની વાતચીતમાં પોતાના પુત્રને પ્લેઈંગ 11માં પસંદ ન કરવા બદલ ભારતીય ટીમના પસંદગી માપદંડોની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, અભિમન્યુને ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ પ્રવાસ માટે લાલ બોલની ટીમમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. અભિમન્યુના પિતાએ ઘરેલું ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન છતાં તેને આટલા લાંબા સમય સુધી બેંચ પર બેસાડી રાખવા બદલ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા.

રંગનાથન ઈશ્વરને કહ્યું કે હું અભિમન્યુના ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છું. હું વર્ષોથી રાહ જોઈ રહ્યો છું, હવે ત્રણ વર્ષ થઈ ગયા છે. એક ખેલાડીનું કામ શું હોય છે? રન બનાવવા. તેણે તે કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે અભિમન્યુએ ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં ઇન્ડિયા Aની બે મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, જે સાચું છે. પરંતુ, તેમણે યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુએ BGT (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) પહેલા સારું પ્રદર્શન કર્યું હતું, તે દરમિયાન કરુણ નાયર ટીમમાં નહોતા અને તેમને દિલીપ ટ્રોફી કે ઈરાની ટ્રોફી માટે પણ પસંદ કરવામાં આવ્યા નહોતા. તેમણે વધુમાં જણાવ્યું કે જો તમે ગયા વર્ષથી લઈને આ વર્ષ સુધીના સમયગાળા પર ધ્યાન આપો તો અભિમન્યુએ લગભગ 864 રન બનાવ્યા છે.

આઈપીએલ પ્રદર્શનને ધ્યાનમાં ન લેવું જોઈએ

રંગનાથન ઈશ્વરને આઈપીએલ (IPL) પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓની પસંદગી થતી હોવાની પણ ટીકા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેસ્ટ ટીમની પસંદગી કરતી વખતે આઈપીએલના પ્રદર્શનને ધ્યાનમાં ન લેવું જોઈએ. રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીને ટેસ્ટ ટીમમાં પસંદગીનો આધાર બનાવવો જોઈએ.