Arjun Tendulkar Blast: ક્રિકેટના મેદાન પર ફરી એકવાર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પોતાની ઓલરાઉન્ડર પ્રતિભા સાબિત કરી છે. T20 મુંબઈ લીગ 2026માં ARCS Andheri તરફથી રમતા અર્જુને બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.
શું રહ્યું મેચનું હાઇલાઇટ?
સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ARCS Andheriનો સામનો બાન્દ્રા બ્લાસ્ટર્સ સામે થયો હતો. અર્જુન તેંડુલકરે આ મેચમાં અસલી 'ઓલરાઉન્ડર' રોલ ભજવ્યો હતો.
ઘાતક બોલિંગ
અર્જુને પોતાના 3 ઓવરના સ્પેલમાં માત્ર 11 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ ફેંકી હતી. તેની ઘાતક બોલિંગને કારણે બાન્દ્રા બ્લાસ્ટર્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 144 રન જ બનાવી શકી હતી.
આક્રમક બેટિંગ
જ્યારે બેટિંગની વાત આવી ત્યારે અર્જુન તેંડુલકરે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. તેણે માત્ર 34 બોલમાં અણનમ 66 રન ફટકાર્યા હતા. ખાસ કરીને, તેણે માત્ર 25 બોલમાં જ પોતાની હાફ સેન્ચુરી (ફિફ્ટી) પૂરી કરીને વિરોધી ટીમના બોલરોને ઘુંટણિયે લાવી દીધા હતા.
અર્જુન-મુશીરની મેચ વિનિંગ ભાગીદારી
145 રનનો પીછો કરતા, ARCS Andheriની શરૂઆત ખરાબ રહી. ઓપનર દિવ્યાંશ સક્સેના ત્રીજી ઓવરમાં 26 રન બનાવીને આઉટ થય. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા અર્જુન તેંડુલકરે નિરાશ ન કર્યા. તેણે મુશીર ખાન સાથે મળીને ઝડપી સદીની ભાગીદારી નોંધાવી અને બાંદ્રા બ્લાસ્ટર્સ પાસેથી મેચ છીનવી લીધી.
ટીમનો શાનદાર વિજય
અર્જુન અને મુશીર ખાન (54 રન) વચ્ચેની અણનમ 116 રનની ભાગીદારીને કારણે ARCS Andheri એ 145 રનનો લક્ષ્યાંક માત્ર 13.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ARCS Andheri એ 9 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે અર્જુન તેંડુલકરને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
