CWG 2026: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન સતત જારી છે. ભારતની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાણી દેવીએ 58 કિલો ભારવર્ગમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બિંદિયારાણીના આ મેડલ સાથે જ ચાલુ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
બિંદિયારાણીએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 112 કિલો મળીને કુલ 199 કિલો વજન ઊંચકીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
નાઇજીરિયાને ગોલ્ડ અને કેનેડાને સિલ્વર
આ સ્પર્ધામાં નાઇજીરિયાની રફિયાતુ ફોલાશેડ લવાલે કુલ 229 કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે કેનેડાની આન સોફી તાસચેરયૂએ 215 કિલો વજન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
નોંધનીય છે કે, બિંદિયારાણી દેવીનો ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસ 'નો લિફ્ટ' જાહેર થયો હતો, જેના કારણે એક સમયે ભારતીય ચાહકોની ધડકનો વધી ગઈ હતી. પરંતુ, તેણે બીજા પ્રયાસમાં શાનદાર વાપસી કરીને 112 કિલો વજન સફળતાપૂર્વક ઉઠાવી લીધું હતું. ઇંગ્લેન્ડની એલિઝા પ્રાટ પોતાના છેલ્લા પ્રયાસમાં 113 કિલો વજન ઉઠાવવામાં નિષ્ફળ રહી, જેનાથી બિંદિયારાણીનો બ્રોન્ઝ મેડલ પાકો થઈ ગયો હતો.
વેઇટલિફ્ટિંગમાં ભારતનો દબદબો
ચાલુ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર્સે અત્યાર સુધીમાં અદ્ભુત પ્રદર્શન કરીને કુલ 5 મેડલ (1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ) દેશને અપાવ્યા છે. આ પહેલા 26 જુલાઈએ ભારતની અનુભવી વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 48 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ખાતું ખોલ્યું હતું.
આ ઉપરાંત પેરા પાવરલિફ્ટિંગમાં ઝંડૂ કુમારે પણ બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા બિંદિયારાણી દેવી સહિત તમામ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઇટલિફ્ટર્સના મેડલ વિજેતા
મીરાબાઈ ચાનૂ: ગોલ્ડ મેડલ (મહિલા 48 કિગ્રા)
ઋષિકાંતા સિંહ: સિલ્વર મેડલ (પુરુષ 60 કિગ્રા)
મુથુપંડી રાજા: સિલ્વર મેડલ (પુરુષ 65 કિગ્રા)
જ્ઞાનેશ્વરી યાદવ: સિલ્વર મેડલ (મહિલા 53 કિગ્રા)
બિંદિયારાણી દેવી: બ્રોન્ઝ મેડલ (મહિલા 58 કિગ્રા)
