Asian Games 2026: કબડ્ડીમાં ભારતનો ડબલ ધમાકો, મહિલાઓ બાદ પુરુષ ટીમે પણ ઈરાનને ધૂળ ચાટી ગોલ્ડ મેડલ કબજે કર્યો

સુમિતના વર્લ્ડ-ક્લાસ ટેકલિંગ અને અર્જુનની અદ્ભુત રેડિંગ સામે ઈરાની ડિફેન્સ સંપૂર્ણપણે લાચાર નજરે પડતું હતું. ઈરાનના સ્ટાર ખેલાડી શાદલોઈના થોડા પ્રયાસો સિવાય સમગ્ર ઈરાની ટીમ ભારતીય આક્રમણ સામે ટકી શકી નહોતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 03:59 PM (IST)Updated: Sat, 26 Sep 2026 03:59 PM (IST)
asian-games-nagoya-india-kabaddi-double-gold-iran-defeated
ભારત કબડ્ડી ગોલ્ડ મેડલ

India Kabaddi Gold Medal: જાપાનના નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં શનિવારનો દિવસ ભારતીય રમતજગત માટે સુવર્ણ અક્ષરે લખાય તેવો રહ્યો હતો. ભારતે કબડ્ડી ક્ષેત્રે ઈતિહાસ રચીને બેવડી ખુશી હાંસલ કરી છે. ભારતીય મહિલા ટીમે ઈરાનને માત આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યાના થોડા જ સમય બાદ, ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ કટ્ટર હરીફ ઈરાનને એક રોમાંચક મુકાબલામાં 40-34 થી પરાજય આપીને દેશ માટે વધુ એક સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો.

પ્રથમ હાફમાં ઈરાનનો દબદબો જોવા મળ્યો હતો

હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચના પ્રથમ હાફમાં ઈરાની ટીમે આક્રમક રમત દાખવીને ભારતીય ટીમ પર દબાણ બનાવ્યું હતું. પ્રથમ હાફના અંતે ઈરાનની ટીમ 18-17 ના નજીવા માર્જિનથી આગળ ચાલી રહી હતી. જોકે, બીજા હાફમાં ભારતીય ટીમે શાનદાર રણનીતિ સાથે મેદાનમાં વાપસી કરી હતી અને મેચનું પાસું પલટી નાખ્યું હતું. આ રોમાંચક તબક્કા દરમિયાન ભારતે ઈરાનને ઓલઆઉટ પણ કર્યું હતું.

મેચ દરમિયાન ઈરાનના ઓમિદ ખોજાસ્તેહ દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા સોલો ટેકલે ઈરાનને સુપર ટેકલ પોઈન્ટ અપાવ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડી સુમિત બીજા હાફમાં ઈરાની રેડર્સ માટે કાળ સાબિત થયો હતો. સુમિત અને ભારતીય કેપ્ટનના શાનદાર ટેકલિંગે ભારતને મેચમાં નિર્ણાયક લીડ અપાવી હતી.

સુમિતનું ટેકલિંગ અને અર્જુનની આક્રમક રેડિંગ

ત્યારબાદ ભારતીય સંરક્ષણ પંક્તિએ ઈરાનના એકમાત્ર ડાબા હાથના ખેલાડીને આઉટ કરીને ઈરાન પર ઓલઆઉટ હુમલો બોલાવ્યો હતો. આ વખતે જયદીપે સચોટ ટેકલ કરીને ટીમ માટે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યો હતો. મેચની અંતિમ સાડા છ મિનિટ બાકી હતી ત્યારે ભારતે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી.

સુમિતના વર્લ્ડ-ક્લાસ ટેકલિંગ અને અર્જુનની અદ્ભુત રેડિંગ સામે ઈરાની ડિફેન્સ સંપૂર્ણપણે લાચાર નજરે પડતું હતું. ઈરાનના સ્ટાર ખેલાડી શાદલોઈના થોડા પ્રયાસો સિવાય સમગ્ર ઈરાની ટીમ ભારતીય આક્રમણ સામે ટકી શકી નહોતી. રમતની અંતિમ ૩ મિનિટ અને ૫૧ સેકન્ડ બાકી હતી ત્યારે ભારત ૩૬-૨૯ ના વિશાળ સ્કોરથી આગળ હતું અને આખરે ૪૦-૩૪ થી જીત મેળવી ગોલ્ડ પર કબજો કર્યો હતો.