Mens Compound Archery India vs China: એશિયન ગેમ્સ 2026 માં ભારતીય તીરંદાજોએ પોતાનો વિજયી દબદબો યથાવત રાખતા દેશ માટે વધુ એક સુવર્ણચંદ્રક સર કર્યો છે. પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજીની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ચીનને એક પોઈન્ટના અત્યંત સપાટાથી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સાહિલ જાધવ, કુશલ દલાલ અને થિરુમુરુ ગણેશ મણિ રત્નમની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને આ એશિયન રમતોત્સવનો 10મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ચીન સામે રોમાંચક ફાઈનલમાં 238-237 થી જીત
આ પણ વાંચો
મેન્સ કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલ મેચ અત્યંત તણાવપૂર્ણ રહી હતી. ભારતીય ત્રિપુટી સાહિલ જાધવ, કુશલ દલાલ અને થિરુમુરુ ગણેશ મણિ રત્નમે ચીનના તીરંદાજો સામે અદભુત ધૈર્ય અને ચોકસાઈ દર્શાવી હતી. અંતિમ ક્ષણો સુધી ખેંચાયેલી આ મેચમાં ભારતે ચીનને 238-237 ના નજીકના તફાવતથી પરાજય આપીને બુલસાઈ નિશાન સાધ્યું હતું. આ સાથે જ ભારતે કમ્પાઉન્ડ આર્ચરી ક્ષેત્રે પુરુષ, મહિલા અને મિશ્ર (મિક્સ) ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને વૈશ્વિક સ્તરે દેશનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત કરી દીધું છે.
મહિલા અને મિક્સ્ડ ટીમે પણ મચાવી ધમાલ
મેન્સ ટીમ પહેલાં, પ્રીથિકા પ્રદીપ, જ્યોતિ સુરેખા વેન્નમ અને ચિકિતા તનિપાર્થીની ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે પણ ફાઈનલમાં ચીનને 238-234 થી હરાવીને ભારતને 7મો ગોલ્ડ અપાવ્યો હતો. આ પછી, સાહિલ જાધવ અને ચિકિતા તનિપાર્થીની જોડીએ મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ આર્ચરીમાં દક્ષિણ કોરિયા સામે શૂટ-ઓફ સુધી ગયેલી રોમાંચક મેચમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
મેડલ ટેલીમાં ભારત 7મા ક્રમે પહોંચ્યું
એશિયન ગેમ્સ 2026 ની શરૂઆતમાં ભારતનું પ્રદર્શન ધાર્યા મુજબનું રહ્યું ન હતું, પરંતુ પાછળથી ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરી છે. કમ્પાઉન્ડ આર્ચરીમાં શ્રેણીબદ્ધ સફળતા બાદ ભારતના મેડલની કુલ સંખ્યા 59 પર પહોંચી ગઈ છે, જેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 28 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત હવે મેડલ તાલિકામાં 7મા ક્રમે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં સ્ક્વોશ સહિતની અન્ય રમતોમાંથી પણ ભારતને વધુ મેડલ્સ મળવાની આશા છે.
