Labh Pancham 2026: દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ગુજરાતમાં એક એવા પર્વની ઉજવણી થાય છે, જેનું વેપારીઓથી લઈને સામાન્ય પરિવારો સુધી દરેક માટે વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર એટલે લાભ પાંચમ. આ દિવસને નવી શરૂઆત, સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને વેપારીઓ આ દિવસે દુકાનો અને ઓફિસોમાં પૂજા કરીને નવા હિસાબ-કિતાબની શરૂઆત કરે છે. ત્યારે ચાલો જાણીએ કે લાભ પાંચમ ક્યારે ઉજવવામાં આવે છે, ગુજરાતીઓ માટે આ દિવસ કેમ ખાસ છે અને આ દિવસે કઈ રીતે પૂજા કરવી જોઈએ.
લાભ પાંચમ ક્યારે છે? જાણો તિથિ અને તારીખ
લાભ પાંચમ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ આવતી આ પાંચમને ગુજરાતી પરિવારોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. વર્ષ 2026માં લાભ પાંચમ 14 નવેમ્બર, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
ગુજરાતીઓ માટે કેમ ખાસ છે લાભ પાંચમનો તહેવાર?
ગુજરાતમાં દિવાળીની ઉજવણી સાથે વેપાર અને નવા વર્ષનો પણ ખાસ સંબંધ છે. દિવાળીના દિવસોમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ નવા નાણાકીય વર્ષના હિસાબની શરૂઆત કરે છે. ત્યારબાદ દિવાળી અને ભાઈબીજની રજાઓ પૂર્ણ થયા પછી લાભ પાંચમના દિવસે દુકાનો, ઓફિસો અને ધંધાકીય એકમો ફરી શરૂ કરવામાં આવે છે. આથી આ દિવસ વેપારીઓ માટે નવી શરૂઆતનો અવસર બની રહે છે.
ઘણા વેપારીઓ લાભ પાંચમના દિવસે નવા ચોપડા પર શુભ-લાભ લખીને હિસાબ શરૂ કરે છે. કેટલીક જગ્યાએ દુકાનના પ્રવેશદ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શુભ કાર્ય શરૂ કરવાથી કામમાં પ્રગતિ થાય છે અને ધંધામાં આવતાં વિઘ્નો દૂર થાય છે.
લાભ પાંચમનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ
લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને શુભ કાર્યના આરંભના દેવતા માનવામાં આવે છે, જ્યારે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિનાં દેવી તરીકે પૂજવામાં આવે છે. આથી લોકો બંનેની આરાધના કરીને પરિવારની સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
આ દિવસને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન પરંપરામાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે જ્ઞાન અને શાસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. આમ, લાભ પાંચમ માત્ર વેપારની નવી શરૂઆતનો દિવસ નથી, પરંતુ જ્ઞાન, આસ્થા અને શુભ કાર્યો સાથે જોડાયેલો પર્વ પણ છે.
લાભ પાંચમ પૂજા માટે જરૂરી સામગ્રી
પૂજા માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર, ફૂલો, ફૂલોની માળા, કંકુ, ચોખા, ચંદન, ધૂપ, દીવો, ઘી, અગરબત્તી, નૈવેદ્ય અને મીઠાઈ જેવી સામગ્રી રાખવી. વેપારીઓએ પૂજા માટે નવા ચોપડા અને પેન પણ રાખવા.
લાભ પાંચમ 2026નું શુભ મુહૂર્ત
સવારે 6:52થી 10:33 વાગ્યા સુધી પૂજા માટેનો શુભ સમય રહેશે.
- શુભ: સવારે 8:15થી 9:38
- લાભ: બપોરે 1:46થી 3:09
- અમૃત: બપોરે 3:09થી 4:32
- લાભ: સાંજે 5:55થી 7:32
લાભ પાંચમ 2026ના શુભ ચોઘડિયાં
શુભ ચોઘડિયું: સવારે 08:11થી 09:35 સુધી
ચલ ચોઘડિયું: બપોરે 12:23થી 01:48 સુધી
લાભ ચોઘડિયું: બપોરે 01:48થી 03:12 સુધી
અમૃત ચોઘડિયું: બપોરે 03:12થી 04:37 સુધી
લાભ ચોઘડિયું: સાંજે 06:01થી 07:36 સુધી
ચોઘડિયાં સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે, તેથી પૂજા કરતાં પહેલાં સ્થાનિક પંચાંગમાં સમયની ખરાઈ કરવી.
લાભ પાંચમના દિવસે કઈ રીતે કરવી પૂજા?
- લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવાં.
- ત્યારબાદ ઘરના પૂજાસ્થળ અથવા દુકાનમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી.
- પૂજાની જગ્યા સ્વચ્છ કરીને આસન પાથરવું અને ભગવાનને ફૂલ તથા માળા અર્પણ કરવાં.
- ત્યારબાદ ચંદન, કુમકુમ, અક્ષત, ધૂપ અને દીવો પ્રગટાવી પૂજા કરવી.
- માતા લક્ષ્મીને મીઠાઈ અને ફૂલ અર્પણ કરવાં. ભગવાન ગણેશને દુર્વા ચઢાવી તેમની આરાધના કરવી.
- આ દરમિયાન લક્ષ્મીજી અને ગણેશજીના મંત્રોનો જાપ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.
વેપારીઓ આ દિવસે નવા ચોપડા, ખાતાવહી અને વ્યવસાયનાં સાધનોની પૂજા પણ કરે છે. ચોપડા પર કંકુથી સ્વસ્તિક બનાવીને શુભ-લાભ લખવામાં આવે છે. ત્યારબાદ શુભ ચોઘડિયામાં નવા હિસાબની શરૂઆત કરવામાં આવે છે.
